Former Bengal BJP chief Dilip Ghosh to marry party colleague: બંગાળમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ભાજપમાં લાંબા સમયથી કાર્યકર રિંકુ મજુમદાર સાથે લગ્નના તાંતણે બંધાવાના છે. રિંકુ મજુમદાર બંગાળમાં ભાજપ મહિલા મોર્ચાની જવાબદારી સંભાળી હતી. તે પક્ષમાં ઓબીસી મોર્ચા અને હેન્ડલૂમ સેલની સાથએ સાથે વિવિધ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ પણ સંભાળી છે.
દિલીપ પોતાની ભાવિ પત્ની રિંકુ સાથે 3 એપ્રિલના રોજ ઈડન ગાર્ડનમાં કેકેઆર મેચ જોવા આવ્યા હતાં. રિંકુનો દિકરો પણ સ્ટેડિયમમાં આવ્યો હતો. બંને જાહેરમાં એક સાથે જોવા મળતાં બંને પ્રેમમાં હોવાના અહેવાલો મળ્યા હતાં. હવે મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, શુક્રવારે દિલીપ ઘોષ પોતાના ન્યૂટાઉન સ્થિત નિવાસ સ્થાને રિંકુ મજૂમદાર સાથે સાત ફેરા લેવાના છે. ઘોષે ખુલાસો કર્યો છે કે, ગત લોકસભા ચૂંટણીમાં હાર બાદ દિલીપે રિંકુ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.
દિલીપે પહેલાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો
દિલીપના અંગત લોકોના જણાવ્યા પ્રમાણે, લોકસભા ચૂંટણીમાં પરાજય બાદ દિલીપ ઉદાસ હતા. રિંકુએ સામેથી દિલીપ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો હતો. રિંકુ પોતે એકલી હોવાથી દિલીપ સાથે મળી ફરીથી પોતાનો ઘરસંસાર માંડવા માગતા હતાં. પરંતુ દિલીપે ઈનકાર કર્યો હતો. પરંતુ બાદમાં દિલીપના માતાના આગ્રહના કારણે તેઓ લગ્ન કરવા તૈયાર થયા હતાં. આ લગ્નમાં અત્યંત નજીકના સગા-સંબંધી ઉપસ્થિત રહેશે. રિંકુ ડિવોર્સી છે. અને તેનો એક દિકરો આઈટી સેક્ટરમાં કામ કરે છે. લોકસભામાંથી માંડી વિવિધ ચૂંટણીમાં દિલીપ ઘોષ દબંગ મૂડમાં જોવા મળ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ દિલીપ ઘોષને લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. કુણાલ ઘોષ અને દેબાંગશુ જેવા ટીએમસી નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
મીડિયાના સવાલથી ગુસ્સે થયા ઘોષ
દિલીપ ઘોષના આ લગ્ન મુદ્દે મીડિયાએ સવાલો પૂછતાં તેઓ રોષે ભરાયા હતા. તેમણે અનોખા અંદાજમાં સામો સવાલ કર્યો હતો કે, કેમ, હું લગ્ન ન કરી શકું. શું લગ્ન કરવા અપરાધ છે? 61 વર્ષીય દિલીપ ઘોષ હજી સુધી અપરિણિત છે. તેઓ 2016થી 2021 સુધી ખડગપુર બેઠક પરથી ધારાસભ્ય હતા. 2019માં મેદિનીપુરમાંથી સાંસદ બન્યા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ સાંસદ પદ માટે ચૂંટણી લડ્યા હતા. પરંતુ હાર્યા હતા. રિંકુ મજુમદારની વય 50 વર્ષ છે. બંનેના લગ્ન કોલકાતામાં યોજાશે.