Hindi Compulsory In Maharashtra School : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ નવા અભ્યાસક્રમમાં ધોરણ-1 થી 5માં ત્રિ-ભાષા ફોર્મ્યુલા લાગુ કરાયા બાદ તેનો મહારાષ્ટ્રમાં અમલ કરાયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ-1થી પાંચમાં હિન્દી ભાષા ફરજીયાત કરી દીધી છે, જેનો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MSN)ના પ્રમુખ રાજ ઠાકરેએ વિરોધ કર્યો છે.
‘અમે હિન્દી ભાષા ફરજિયાત નહીં થવા દઈએ’
રાજ ઠાકરેએ રાજ્ય સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે, ‘મહારાષ્ટ્રની શાળાઓમાં પહેલા ધોરણથી હિન્દી ભાષાને ફરજીયાત કરવાની બાબત અમે સાખી નહીં લઈએ. અમે અભ્યાસક્રમ હેઠળના હિન્દી પુસ્તકોને દુકાનોમાં વેચવા નહીં દઈએ અને વિદ્યાર્થીઓને વિતરણ પણ કરવા નહીં દઈએ. શાળાના તંત્રએ આ બાબતને ધ્યાને રાખવી જોઈએ.’
તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગું છું કે, અમારી પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શાળાઓમાં હિન્દી ભાષા ફરજીયાત કરવાની બળજબરી ક્યારેય સાખી નહીં લે. સરકાર દરેક સ્થળે હિન્દુકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે, જોકે અમે તેમને સફળ નહીં થવા દઈએ. હિન્દી રાષ્ટ્રભાષા નથી, તે દેશની અન્ય ભાષાઓની જેમ માત્ર એક રાજ્યભાષા છે. તેથી મહારાષ્ટ્રમાં પહેલા ધોરણથી હિન્દી ભાષા કેમ ભણાવવી જોઈએ?’
અન્ય ભાષાને અચાનક થોપવાની શરૂઆત કેમ કરાઈ?
તેમણે વધુમાં લખ્યું છે કે, ‘સરકારની ત્રિ-ભાષા ફોર્મ્યુલા માત્ર સરકારી વ્યવહારો સુધી જ સીમિત રહેવી જોઈએ, તેને શિક્ષણ સુધી ન લાવવું જોઈએ. આપણા દેશમાં ભાષાના આધારે રાજ્યોની રચના થઈ છે અને તે વર્ષોથી ચાલી આવ્યું છે. પરંતુ હવે અચાનક અન્ય રાજ્યભાષાને મહારાષ્ટ્ર પર થોપવાની શરૂઆત કેમ થઈ રહી છે?’
ભાષાકીય રાજ્યોની રચનાના સિદ્ધાંતનું ઉલ્લંઘન : રાજ ઠાકરે
તેમણે કહ્યું કે, ‘તમામ ભાષાઓ સુંદર છે અને તેના નિર્માણ પાછળ લાંબો ઈતિહાસ અને પરંપરા છે. જે ભાષા જે રાજ્યની છે, તે રાજ્યમાં તેનું સન્માન થવું જોઈએ. મહારાષ્ટ્રની ભાષા મરાઠી છે અને તેનું અન્યોએ સન્માન કરવું જોઈએ અને આવું અન્ય રાજ્યોમાં પણ હોવું જોઈએ. એટલું જ નહીં, અન્ય રાજ્યોમાં વસતા મરાઠી લોકોએ પણ તે રાજ્યની ભાષાને પોતાની માની સન્માન કરવું જોઈએ. પરંતુ જો તમે આ દેશની ભાષાકીય પરંપરાને નબળી પાડવાનો પ્રયાસ કરશો, તો અમે તે ક્યારે સહન નહીં કરીએ.’
‘અમે હિન્દુ છીએ, પરંતુ હિન્દી નહીં’
MNS પ્રમુખે વધુમાં કહ્યું કે, ‘અમે હિન્દુ છીએ, પરંતુ હિન્દી નથી. જો તમે મહારાષ્ટ્રને હિન્દીકરણ કરવાનો પ્રયાસ કરશો, તો રાજ્યમાં સંઘર્ષ થઈ જશે. આ તમામ બાબતો જોઈને એવું લાગે છે કે, સરકાર જાણીજોઈને ઘર્ષણ ઉભો કરી રહી છે. સરકાર મરાઠી અને અન્ય ભાષાનો લોકો વચ્ચે સંઘર્ષ ઉભો કરી આગામી ચૂંટણીમાં રાજકીય લાભ ઉઠાવવા માટે આ તમામ પ્રયાસો કરી રહી છે. મહારાષ્ટ્રમાં અન્ય ભાષાના રહેતા લોકોએ સરકારના આ ષડયંત્રને સમજવું જોઈએ. સરકારને તમારી ભાષા સાથે કોઈ પ્રેમ નથી, માત્ર તેઓ તમને ભડકારી રાજકીય રોટલી શેકવા માંગે છે.’
મહારાષ્ટ્ર સરકારે શું કર્યો આદેશ?
ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં મહારાષ્ટ્રમાં મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ-1થી 4માં મરાઠી અને અંગ્રેજી જ ફરજિયાત ભાષા તરીકે ભણાવવામાં આવી રહી છે. જોકે મહારાષ્ટ્ર સરકારે આજે જાહેર કરેલા આદેશ મુજબ ‘આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ-1થી 5માં ત્રીજી ભાષા એટલે કે હિન્દી ભાષા ફરજીયાત કરી દેવાશે. એનપીઈના નિર્ણય મુજબ ધોરણ-1નો નવો અભ્યાસક્રમ 2025-26માં લાગુ કરી દેવાશે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધો.2-3-4-6 માટેની નીતિ 2026-27માં લાગુ કરવામાં આવશે, જ્યારે ધો.5-9-11 માટેની નીતિ 2027-28માં લાગુ કરવામાં આવશે. ધો.8-10-12 માટેની નીતિ 2028-29માં લાગુ કરવામાં આવશે.
NEP લાગુ કરાઈ
સરકારી આદેશમાં કહેવાયું છે કે, ધોરણ 6થી 10માં રાજ્યના અભ્યાસક્રમ મુજબ ભાષા નીતિ હશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (CM Devendra Fadnavis) જણાવ્યું હતું કે, રાજ્યએ પહેલાથી જ NEP લાગુ કરી દીધું છે. મરાઠી ભાષાને પહેલાથી જ ફરજિયાત બનાવાઈ છે. હિન્દી પણ શીખવી જોઈએ કારણ કે તે દેશભરમાં સંદેશાવ્યવહારનું એક માધ્યમ છે. કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે કહ્યું કે રાજ્ય સરકારનો આ નિર્ણય મરાઠી ઓળખની વિરુદ્ધ છે. જો હિન્દી વૈકલ્પિક ભાષા હોત તો કોઈ સમસ્યા ન હોત, પરંતુ તેને ફરજિયાત બનાવવાથી મરાઠી લાગણીઓને ઠેસ પહોંચશે.