Nails Disease: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ તાલુકામાં રહસ્યમયી બીમારી જોવા મળી રહી છે. કેટલાક ગામડાઓમાં અચાનક નખ ખરવા લાગ્યા, જેનાથી હડકંપ મચ્યો છે. છેલ્લા કેટલાક મહિના પહેલા કેટલાક લોકોને કથિત ‘ગંજા વાયરસ’ના કારણે ગંભીર વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક સૂત્રોના અનુસાર, આ ચિંતાજનક સ્થિતિ પહેલીવાર ડિસેમ્બર 2024માં સામે આવી હતી, જ્યારે બોંડગાવ અને તેના પાડોશી ગામના લગભગ 300 ગામલોકોના ઝડપથી વાળ ખરવાની ફરિયાદો મળી હતી. હવે વધુ એક ચિંતાજનક ઘટનામાં કેટલાક લોકોના નખ ખરવાની સમસ્યા સામે આવી રહી છે.
જિલ્લાના અસરગ્રસ્ત ગામડાઓમાં એક બોંડગાવના સરપંચ રામેશ્વર ધારકરે જણાવ્યું હતું કે, ‘આ સમસ્યા ડિસેમ્બરના અંતમાં અચાનક વાળ ખરવાની શરૂઆત થઈ હતી. હવે છેલ્લા ચાર-પાંચ દિવસોથી લોકોના નખ પણ ખરવા લાગ્યા છે.’
સ્વાસ્થ્ય અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે. જિલ્લા સ્વાસ્થ્ય વિભાગની એક ટીમે હાલમાં જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને વિશ્લેષણ માટે લોહીના નમૂના એકત્ર કર્યા. સૌથી વધુ અસરગ્રસ્ત ગામડાઓમાં શેગાંવ તાલુકાના બોંડગાવ, ખટખેર અને ભોંગાંવ સામેલ છે.
બુલઢાણા સ્વાસ્થ્ય વિભાગના સ્વાસ્થ્ય અધિકારી ડૉ. અનિલ બાંકરે આ વાતની પુષ્ટિ કરી છે. ડૉ. બાંકરે કહ્યું કે, ‘ચાર ગામોમાં 29 વ્યક્તિઓના નખમાં વિકૃતિ જોવા મળી છે. કેટલાક કેસમાં નખ સંપૂર્ણ રીતે અલગ થઈ ગયા છે. તેમને પ્રાથમિક સારવાર શરૂ કરી દીધી છે અને આગળની તપાસ માટે શૈગાંવ હોસ્પિટલ લઈ જવાશે.’
જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. અમોલ ગીતેએ કહ્યું કે, ‘પ્રાથમિક અંદાજમાં વાળ અને નખના ખરવા પાછળ સેલેનિયમના વધેલા સ્તરને સંભવિત કારણ તરીકે દર્શાવે છે. અમને આશા છે કે આગામી થોડા દિવસોમાં પરીક્ષણના અંતિમ પરિણામો મળશે.’