SC Rejects UP Woman Dowry Complaint: સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા પોતાના પતિ અને સગાઓ સામે કરવામાં આવેલી દહેજ ઉત્પીડનની ફરિયાદ રદ કરી દીધી છે. જેમાં કોર્ટે કહ્યું કે, ‘આ મામલે પતિના સગાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે વચ્ચે છૂટાછેડા થયાના પણ ત્રણ વર્ષ બાદ દહેજ ઉત્પીડન અને 498 (A) ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે બંને વચ્ચે કોઈ સંબંધ જ નથી તો પતિ અને તેનો પરિવાર દહેજ ઉત્પીડન કેવી રીતે કરી શકે?’
પતિ અને સગાઓને ખોટી રીતે આરોપી બનાવાયા
પોતાના અગાઉના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજય કારોલ અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની ખંડપીઠે કહ્યું હતું કે, ‘અમને કહેતા જરા પણ સંકોચ નથી થતો કે આ કેસમાં પતિના સગાઓને ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યા છે. કારણ કે, તેમના નામ તો ફરિયાદમાં દાખલ કરાયા છે પરંતુ તેમની સામે કોઈ જ આરોપોનું વર્ણન નથી કરાયું.’
ઉત્તર પ્રદેશની મહિલાએ છૂટાછેડાના ત્રણ વર્ષ બાદ કરી દહેજ ઉત્પીડનની ફરિયાદ
આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશનો છે, અગાઉ અલ્લાહાબાદ હાઈકોર્ટે પતિના સગાઓ સામેના ટ્રાયલ કોર્ટના સમન્સ રદ કરવાની ના પાડી દીધી હતી તેથી તેની સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે, ઓગસ્ટ 2015માં પતિ અને સગાઓ સામે ફરિયાદ દાખલ કરાઈ હતી. વર્ષ 2010માં મહિલાએ પતિનું ઘર છોડી દીધુ હતું અને પોતાના માતા પિતાની સાથે રહેવા લાગી હતી. સાસરિયાએ દાવો કર્યો કે, પતિ તેને પરત લાવવા માટે ગયો હતો. પરંતુ, પત્ની ન માનતા બાદમાં પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા 2012માં મંજૂર થયાના ત્રણ વર્ષ બાદ મહિલાએ મેજિસ્ટ્રેટ સામે અપીલ કરીને દહેજ ઉત્પીડનની ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી.
સુપ્રીમ કોર્ટે નકારી અરજી
પત્નીનો દાવો હતો કે, 2015માં મારા પતિ અને સાસરિયા ઘરે આવ્યા હતા અને મારી પાસે દહેજની માંગણી કરી હતી. આ સાથે જ ધાક-ધમકી પણ આપી હતી. મેજિસ્ટ્રેટે અરજીને ફરિયાદ તરીકે સ્વીકારી અને સમન્સ મોકલ્યું હતું. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, બંનેના છૂટાછેટા થઈ ગયા બાદ પતિ અને તેના પરિવારજોનોએ કયા કારણોસર પત્નીના ઘરે જઈને ફરી એક થવાનો પ્રયાસ કર્યો હશે તે માનવું મુશ્કેલ છે. કદાચ જો આવી કોઈ ઘટના બની હોય તો પણ ફરિયાદી મહિલા અને આરોપીના પતિ-પત્ની તરીકેના સંબંધ તો પહેલાં જ તૂટી ગયા હતાં, તેથી પતિ અને તેના સગા સામે IPC કલમ 498 (એ) અને દહેજ પ્રતિબંધ કાયદાની કલમ ચાર હેઠળનો કેસ બનતો જ નથી.