Global tech firms eye India: વૈશ્વિક ટેરિફ યુદ્ધથી ભારતને મોટો ફાયદો થવાની અપેક્ષા છે. સ્માર્ટફોન અને લેપટોપ/પર્સનલ કોમ્પ્યુટર (પીસી)નું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓ તેમના ઉત્પાદનનો તમામ અથવા ભાગ ભારતમાં શિફ્ટ કરવાનું વિચારી રહી છે. વૈશ્વિક કંપનીઓ સાથેની વાતચીતના આધારે એવો અંદાજ છે કે ૨૦૨૪માં ચીનનું સ્માર્ટફોન ઉત્પાદન કુલ વૈશ્વિક ઉત્પાદનના ૬૪ ટકા જેટલું રહેશે અને જો ટેરિફ અને તણાવ ચાલુ રહેશે તો ૨૦૨૬ સુધીમાં વૈશ્વિક સ્માર્ટફોન ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ઝડપથી ઘટીને ૫૫ ટકા થઈ શકે છે.
આ સમયગાળા દરમિયાન ભારત મોટો લાભાર્થી બની શકે છે અને વૈશ્વિક સ્માર્ટફોન ઉત્પાદનમાં તેનો હિસ્સો ૨૦૨૪માં ૧૮ ટકાથી વધીને ૨૦૨૬ સુધીમાં ૨૫થી ૨૮ ટકા થઈ શકે છે. જે એપલ અને સેમસંગ દ્વારા ભારતમાંથી ખાસ કરીને યુએસમાં નિકાસમાં વધારો થવાને કારણે ઔસંભવિત છે.
એપલના આઈફોનની નિકાસ પહેલેથી જ વૈશ્વિક ઉત્પાદન મૂલ્યમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે. જે ૨૦૨૫-૨૬ સુધીમાં ૨૫ ટકા અને ૨૦૨૬-૨૭ સુધીમાં ૩૫ ટકા થવાની ધારણા છે.
લેપટોપ અને પીસી બિઝનેસ ભારત વૈશ્વિક બ્રાન્ડ્સને કેવી રીતે આકર્ષિત કરી શકે છે તેના પર નિર્ભર રહેશે. યુ.એસ. હાલમાં ૨૧ અબજ ડોલરના માલની આયાત કરે છે, જેમાંથી ૭૯ ટકાથી વધુ માલ ચીનમાંથી આવે છે. આ શ્રેણીમાં ચીનનો હિસ્સો પણ ઘટવાની શક્યતા છે. વૈશ્વિક લેપટોપ ઉત્પાદનમાં ચીનનો હિસ્સો ૨૦૨૪માં ૭૫ ટકા રહેવાની ધારણા છે, જે ૨૦૨૬ સુધીમાં ઘટીને ૬૮ થી ૭૦ ટકા થઈ શકે છે.
ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન મુજબ વૈશ્વિક લેપટોપ વેલ્યુ ચેઈનમાં ભારતનો હિસ્સો હાલમાં ૧ ટકાથી ઓછો છે, જેનું વાર્ષિક ટર્નઓવર ૨૦૦ બિલિયન ડોલર છે. આપણે મોટાભાગના લેપટોપ અને પીસી આયાત કરીએ છીએ અને તેમાંથી મોટા ભાગના ચીનમાંથી આવે છે.
પરંતુ જો હેવલેટ પેકાર્ડ (એચપી), ડેલ અને અન્ય કંપનીઓ તેમના ઉત્પાદનનો કેટલોક હિસ્સો ચીનથી ભારતમાં શિફ્ટ કરે છે, તો મોબાઇલ ક્ષેત્રની સફળતાની વાર્તાનું પુનરાવર્તન જોવાશે.
એક અંદાજ મુજબ, વોલ્યુમ દ્વારા લેપટોપ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૦૨૬ સુધીમાં વધીને ૭ ટકા થઈ શકે છે, જે ૨૦૨૪માં ૪ ટકાથી ઓછો હતો. જો વૈશ્વિક કંપનીઓ તેમનું ઉત્પાદન ચીનમાંથી ભારતમાં ખસેડશે તો તેનાથી પણ વધુ નાટકીય પરિવર્તન આવી શકે છે. આ ફેરફાર માત્ર સ્થાનિક બજારમાં જ નહીં પરંતુ નિકાસને પણ અસર કરશે.