Instagram New Blend Feature: ઇન્સ્ટાગ્રામ દ્વારા હાલમાં જ એક ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ ‘બ્લેન્ડ’ રાખવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ એકમેકને વધુ સારી રીતે ઓળખી શકે એ માટે આ ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઇફોન અને એન્ડ્રોઇડ બન્ને પર ઉપલબ્ધ છે, પરંતુ તે માટે લેટેસ્ટ અપડેટ કરવી જરૂરી છે. સાથે જ આ ફીચરનો ઉપયોગ કરવા માટે ફ્રેન્ડ્સને ઇનવાઇટ કરવું જરૂરી છે.
શું છે બ્લેન્ડ ફીચર?
બ્લેન્ડની મદદથી યુઝર અન્ય ફ્રેન્ડ્સ વિશે વધુ સારી રીતે જાણી શકશે. ઉદાહરણ તરીકે, ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ખૂબ જ લોકપ્રિય છે. આ રીલ્સ દરેક યુઝર માટે અલગ-અલગ હોય છે. આ ફીચર દ્વારા બે ફ્રેન્ડ્સ એકમેકની પસંદગી અનુસાર રીલ્સ જોઈ શકે છે. આ ફીચરની મદદથી ફ્રેન્ડ્સ માટે એક અલગ જ ફીડ તૈયાર થશે, જેમાં તે ફ્રેન્ડ્સની પસંદગીના રીલ્સ જ જોઈ શકશે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે ડાયરેક્ટ મેસેજમાં જઈને જે-તે યુઝરની ચેટ ઓપન કરવી પડશે. એમાં ટોપ પર બ્લેન્ડનું આઇકન આપવામાં આવ્યું હશે, જેમા ક્લિક કરવું પડશે. જો યુઝર પાસે એપ્લિકેશનનો લેટેસ્ટ અપડેટ ન હોય, તો ચેટ ઓપન કર્યા બાદ પણ બ્લેન્ડનું બટન કામ નહીં કરે. આ બ્લેન્ડ પર ક્લિક કરવાથી યુઝર સાથેની એલ્ગોરિધમ બ્લેન્ડ થઈ જશે, જેના દ્વારા બન્ને યુઝર્સને તેમની પસંદના રીલ્સ જોઈ શકાશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી બે લોકો હોવું જરૂરી છે.
ફ્રેન્ડ્સને વધુ નિકટ લાવવાની કોશિશ
મેટા કંપની ફેસબુકમાં ફ્રેન્ડ્સ ટેબ લાવતી હોય છે, જેના દ્વારા ફક્ત ફ્રેન્ડ્સની પોસ્ટ જ જોઈ શકાય છે. એ જ રીતે ઇન્સ્ટાગ્રામમાં બ્લેન્ડ ફીચર રજૂ કરવામાં આવ્યું છે, જેના મુખ્ય હેતુ ફ્રેન્ડ્સને વધુ નજીક લાવવાનો છે. ઇન્સ્ટાગ્રામ પર વધુ એડ્સ અને ઇન્ફ્લુએન્સર્સની પોસ્ટ્સને કારણે ફ્રેન્ડ્સ વચ્ચેનું કનેક્શન ઘટતું હતું. આથી, ફ્રેન્ડ્સને વધુ એકમેક સાથે જોડવા માટે આ ફીચર લોન્ચ થયું છે.
અન્ય પ્લેટફોર્મથી અલગ
સામાન્ય રીતે, ઇન્સ્ટાગ્રામ બધા પ્લેટફોર્મ્સ પર એકસરખાં ફીચર્સ રજૂ કરે છે. પરંતુ આ વખતે, એવું ફીચર રજૂ કર્યું છે જે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નથી. આથી બે ફ્રેન્ડ્સ તેમની પસંદના રીલ્સ સાથે જોઈ શકે છે અને એકમેકને વધુ સારી રીતે શેયર કરી શકે છે.