China dumping of goods in India: વાણિજ્ય મંત્રાલયની તપાસ પાંખ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા માર્ચમાં ૧૩ જેટલા એન્ટિડમ્પિંગ કેસના અંતિમ નિરીક્ષણ જારી કરાયા છે. મોટાભાગના કેસો ચીન વિરુદ્ધના હોવાનું એક વિશ્લેષકે જણાવ્યું હતું.
આ ઉપરાંત ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસે ગયા મહિને બીજા ૧૧ કેસોમાં તપાસ શરૂ કરી હતી. દેશમાં ખાસ કરીને ચીન ખાતેથી વિવિધ માલના થતા ડમ્પિંગને કારણે સ્થાનિક ઉદ્યોગોને માર પડી રહ્યો છે.
જે કેસોમાં અંતિમ નિરીક્ષણ જારી કરાયા છે તે કેસોમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ ફોઈલ, પ્લાસ્ટિક પ્રોસેસિંગ મસીન, ડેકોર પેપર, વિટામીન-એ પામીટેટનો સમાવેશ થાય છે. ૧૩માંથી ૧૨ કેસોમાં ચીન ખાતેથીવધુ ડમ્પિંગ થતું હોવાનું જોવા મળ્યું હચું.
અન્ય દેશોમાં યુરોપ, રશિયા, જાપાન, તાઈવાનનો સમાવેશ થાય છે, એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિસના સુત્રોએ જણાવ્યું હતું. હવે જ્યારે ટેરિફ વોર શરૂ થઈ છે ત્યારે ભારતમાં ખાસ કરીને ચીન ખાતેથી માલસામાનના ડમ્પિંગમાં વધારો થવાની સરકાર તથા સ્થાનિક ઉદ્યોગોને ચિંતા સતાવી રહી છે.આ હકીકતને ધ્યાનમાં રાખી દેશમાં થતી આયાતોની ચકાસણી સખત બનાવી દેવાઈ હોવાનું સરકારી સુત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું.