Attack in Pakistan: પહલગામ હુમલા પછી પાકિસ્તાનના સંબંધો ભારત સાથે બિલકુલ બગડી ગયા છે. એવામાં હવે ગુરુવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના કલાત જિલ્લામાં એક ખાનગી વાહન લેન્ડમાઈન પર અથડાતાં જમિયત ઉલેમા-એ-ઈસ્લામ (JUI) ના નેતા અબ્દુલ્લા સહિત ત્રણ લોકો માર્યા ગયા અને પાંચ અન્ય ઘાયલ થયા.
JUIના લીડર અબ્દુલ્લાનું મૃત્યુ
આ માહિતી પ્રાંતીય સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આપી હતી. પ્રવક્તા રિંદે જણાવ્યું હતું કે, ‘આ ઘટના ચોરી બુર કાપુટો વિસ્તારમાં બની હતી, જ્યાં વાહન એક લેન્ડમાઇન પર અથડાયું હતું. લૈવીઝ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.’ મૃતકોમાં JUI નેતા અને વોર્ડ કાઉન્સિલર અબ્દુલ્લાનો પણ સમાવેશ થાય છે.
બલુચિસ્તાન અને ખૈબરના પ્રાંતોમાં આતંકવાદી હુમલાઓમાં વધારો
તાજેતરના મહિનાઓમાં બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. આ પહેલા 15 એપ્રિલના રોજ માસ્તુંગ જિલ્લામાં બલુચિસ્તાન કોન્સ્ટેબ્યુલરીના વાહનને નિશાન બનાવીને થયેલા વિસ્ફોટમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને 16 થી વધુ ઘાયલ થયા હતા.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં પાકિસ્તાન બીજા ક્રમે
પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝના અહેવાલ મુજબ, માર્ચ 2025માં આતંકવાદી હુમલાઓની સંખ્યા 100 થી વધુ થઈ ગઈ, જે નવેમ્બર 2014 પછી સૌથી વધુ છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025માં પાકિસ્તાન બીજા ક્રમે છે.