IPL 2025 and Maxwell Performance: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શનિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. પરંતુ આ મેચમાં ગ્લેન મેક્સવેલ ફરી ફ્લોપ રહ્યો હતો.
KKR સામે પણ ફ્લોપ
મેક્સવેલે KKR સામે આ વખતે બેટથી ફક્ત 7 રન બનાવ્યા અને વરુણ ચક્રવર્તીએ તેને ક્લિનબોલ્ડ કરી દીધો. આ વખતે પણ આઈપીએલ દરમિયાન મેક્સવેલનું બેટ શાંત રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આઈપીએલની હરાજીમાં આ વખતે પંજાબે તેને 4.2 કરોડ રૂપિયાની મોટી રકમ આપી હતી. જેથી ટીમને તેની બેટિંગ અને બોલિંગના ઓલરાઉન્ડર પરફોર્મન્સનો ફાયદો મળી શકે. પરંતુ મેક્સવેલ બેટ અને બોલ બંનેથી બિનઅસરકારક રહ્યો. આ વખતે મેક્સવેલનું પરફોર્મન્સ સતત કંગાળ રહ્યું છે. મેક્સવેલ ખાસ કરીને સ્પિનરો સામે ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. બેટિંગની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 0, 30, 1, 3, 7, 7 રનની ઇનિંગો જ રમી છે.
વરુણ ચક્રવર્તી સામે સતત ફ્લોપ
આ સિઝનમાં મેક્સવેલ માટે સૌથી મોટી ચિંતાનો વિષય સ્પિનરો રહ્યા છે. ખાસ કરીને વરુણ ચક્રવર્તીની સામે તે ખરાબ રીતે નિષ્ફળ જાય છે. IPLમાં વરુણે 8 મેચમાં મેક્સવેલને 5 વખત બોલ્ડ કર્યો છે. આ દરમિયાન મેક્સવેલે 33 બોલનો સામનો કર્યો હતો. તે આ વખતે આઈપીએલમાં ફક્ત 48 જ રન કરી શક્યો છે.