Gold price prediction 2025 : છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં સોનાની માંગમાં ઝડપથી વધારો થયો છે. આના પરિણામે આ પીળી ધાતુ તેના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. હવે એક મોટી ગોલ્ડ માઇનિંગ કંપનીનો દાવો છે કે આવનારા સમયમાં સોનાની કિંમત 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી શકે છે. એટલે કે સોનું 27,000 રૂપિયા સસ્તું થઈ શકે છે. કઝાકિસ્તાનની અગ્રણી ગોલ્ડ માઇનિંગ કંપની સોલિડકોર રિસોર્સિસ પીએલસીના સીઇઓએ દાવો કર્યો છે કે આગામી 12 મહિનામાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે.
સોનું 27000 રૂપિયા સસ્તું થશે
તાજેતરના દિવસોમાં પણ યુએસ ડોલરની મજબૂતી અને યુએસ-ચીન વેપાર તણાવમાં ઘટાડો થવાના સંકેતો વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોલિડકોર રિસોર્સિસ, અગાઉ પોલિમેટલ તરીકે ઓળખાતી, સોનાની ખાણકામ કરતી એક મોટી કંપની છે. કંપનીના સીઇઓ વિટાલી નેસિસે જણાવ્યું હતું કે, ‘હું આગામી 12 મહિનામાં સોનાની કિંમત $2,500 પ્રતિ ઔંસ સુધી પહોંચવાની અપેક્ષા રાખું છું.’ હાલમાં તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં $3300 પ્રતિ ઔંસથી ઉપર છે. જો આમ થશે તો સોનાની કિંમત 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે આવી જશે. આનો સીધો અર્થ એ થયો કે સોનું 27,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થશે.
સોનાની ખાણકામ કરતી બીજી સૌથી મોટી કંપની
તેમણે કહ્યું, ‘સોનાની કિંમત ઔંસ દીઠ $1,800-1,900ના સ્તરે પાછી નહીં જાય. પરંતુ કિંમતો હવે જે સ્તરે પહોંચી છે તે વિશ્વમાં બનેલ લીકવીડ સ્થિતિની અસર છે. સોલિડકોર કઝાકિસ્તાનની બીજી સૌથી મોટી સોનાની ખાણકામ કરતી કંપની છે. રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં લગભગ 26 ટકાનો વધારો થયો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલી આયાત જકાતથી મંદીનો ડર વધી ગયો છે, જેના કારણે સોનાની માંગમાં વધારો થયો છે.
સોનાના ભાવ કેમ ઘટશે?
ચીન અમેરિકાની કેટલીક આયાત પર લાદવામાં આવેલા 125 ટકા ટેરિફને દૂર કરવા વિચારી રહ્યું છે. ચીને આ છૂટમાં સામેલ કરી શકાય તેવા સામાનની ઓળખ કરવાનું કહ્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની વાત કરી હતી અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સીધી વાતચીત શરૂ થઈ ગઈ છે. આ ઘટનાઓને કારણે સોનાના ભાવ પર અસર થઈ છે. યુએસ ડૉલરની કિંમતમાં પણ વધારો થયો છે અને તે માર્ચ પછી પ્રથમ વખત સાપ્તાહિક નફા તરફ આગળ વધી રહ્યો છે. મજબૂત ડોલર સોનાના ભાવ પર દબાણ લાવે છે કારણ કે સોનાનું મૂલ્ય સામાન્ય રીતે ડોલરમાં હોય છે. જ્યારે ડૉલર મજબૂત થશે ત્યારે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
કિંમતમાં રેકોર્ડ વધારો
વર્ષ 2014માં અક્ષય તૃતીયાના અવસર પર 24 કેરેટ સોનાની કિંમત 30000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતી. હવે આ કિંમત વધીને 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા 10 વર્ષમાં સોનાએ ત્રણ ગણું વળતર આપ્યું છે. આ 10 વર્ષોમાં સોનાએ બે વખત ઉત્તમ વળતર આપ્યું છે. કોરોના મહામારી દરમિયાન સોનાએ રોકાણકારોને લગભગ 47 ટકા નફો આપ્યો હતો. આ સિવાય ગત વર્ષ કરતાં ભાવમાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. 10 મે 2024ના રોજ 10 ગ્રામ સોનાની કિંમત 72,727 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે વધીને 99000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે.
રોકાણકારોએ શું કરવું જોઈએ?
સોનામાં રોકાણ કરનારાઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. જો સોલિડકોર સીઈઓની આગાહી સાચી સાબિત થાય છે તો સોનાના ભાવમાં ઘટાડો રોકાણકારોને નુકસાન પહોંચાડી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે સોનાની કિંમત હંમેશા વૈશ્વિક ઘટનાઓ અને આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. આવી સ્થિતિમાં રોકાણકારોએ સાવધાની સાથે રોકાણ કરવું જોઈએ.