કાળઝાળ ગરમીમાં બપોરના સમયે રસ્તાઓ ખાલી રહે છે, આ સમય દરમિયાન પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનું આરોગ્ય જાળવવું જરૂરી છે.
સુરતમાં કાળઝાળ ગરમી વચ્ચે કોંગ્રેસના કલ્પેશ બારોટે પોલીસ કમિશનરને પત્ર લખીને જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા માટે તૈનાત પોલીસ કર્મચારીઓને બપોરના સમયે ફરજમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે.
તાપમાન 40 ડિગ્રીને પાર, જનજીવન અસ્તવ્યસ્તઃ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને બપોરના સમયે રસ્તાઓ ખાલીખમ રહે છે. ડોક્ટરો પણ લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનોને કડકડતી ગરમીમાં ફરજ બજાવવામાંથી મુક્તિ આપવી જોઈએ જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે.
એક અઠવાડિયા માટે વધુ ગરમીની આગાહી:
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ સુધી સુરતમાં ભારે ગરમી પડવાની સંભાવના છે. આવી સ્થિતિમાં કલ્પેશ બારોટે માંગણી કરી છે કે, આ સમયગાળા દરમિયાન જવાનોને બપોરે 12 થી 4 વાગ્યા સુધીની ફરજમાંથી આંશિક મુક્તિ આપવામાં આવે. જેથી પોલીસકર્મીઓને હીટવેવ જેવી પરિસ્થિતિમાંથી બચાવી શકાય. તેમણે પોલીસ કમિશનરને આ અંગે સત્વરે નિર્ણય લેવા વિનંતી કરી છે.
પોલીસકર્મીઓનું સ્વાસ્થ્ય પણ મહત્વનું છે:
અત્રે નોંધનીય છે કે પોલીસકર્મીઓ પણ સામાન્ય નાગરિકો જેવા હોય છે અને તેમને આકરી ગરમીથી બચાવવાની જરૂર હોય છે. ફરજ પર હોય ત્યારે, તેઓને હીટ સ્ટ્રોકનું જોખમ હોય છે, જે તેમના મૃત્યુ તરફ દોરી શકે છે. આથી પોલીસ કમિશનરને વિનંતી છે કે કલ્પેશ બારોટની માંગણીને ધ્યાનમાં લઈ બપોરના સમયે પોલીસકર્મીઓને ફરજમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાય.