New scheme for farmers: ખેડૂતોને તેમનાં ઉત્પન્નની આંતરરાજ્ય સ્તરની બજારોમાં હેરફેર કરવા માટે મદદરૂપ થવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તેની સ્કીમ અંગે કાર્ય કરી રહી હોવાનું કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું. અત્રે ગોખલે ઈન્સ્ટિટ્યૂટ ઑફ પૉલિટીક્સ ઍન્ડ ઈકોનોમિક્સ (એઈઆરસી)નાં પ્લેટિનમ જ્યુબિલિ પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો તેમના ઉત્પન્નની લાંબા અંતર સુધી ડિલિવરી કરી શકે તે માટે કેન્દ્ર સરકાર નવી સ્કીમ પર કાર્ય કરી રહી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે દેશનાં કુલ જીડીપી (ગ્રોસ ડૉમૅસ્ટિક પ્રોડક્ટ)માં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 18 ટકા જેટલો બહોળો છે અને કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે સરકાર ઘણી દિશામાં કાર્ય કરી રહી છે. સંબોધનમાં તેમણે કુદરતી સ્રોતના ન્યાયીક વપરાશ પર ભાર મૂકવાની સાથે પેસ્ટિસાઈડ્સનો આડેધડ થતો ઉપયોગ બંધ કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે હવે કુદરતી ખેતી તરફ વળવાની તાતી આવશ્યતા છે અને તેને માટે આપણી પાસે પૂર્ણ ક્ષમતા પણ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 25 ડિસેમ્બરના રોજ લૉન્ચ થનારા રિવર લિન્કિંગ પ્રોજેક્ટ અંગે કહ્યું હતું કે તેનો ખેડૂતોને લાભ થશે. તેમ જ ઓછા પાણી સાથે વધુ સિંચાઈ થાય તેવી ટેક્નોલૉજી વિકસાવવા હાકલ કરવાની સાથે પ્રયોગશાળાને ખેતર સુધી લઈ જવાની સાથે સંશોધકોને માત્ર પ્રયોગશાળા સુધી સીમિત ન રહેવા અનુરોધ કર્યો હતો.કિસાન અને સંશોધકો વચ્ચેની ખાઈ પૂરી કરવા માટે તાજેતરમાં ડીડી કિસાન ચેનલ પર ‘મોર્ડન કૃષિ ચૌપાલ’ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્લેટફોર્મ એવું છે જ્યાં ખેડૂતો, સંશોધકો અને વૈજ્ઞાનિકો સાથે બેસીને મંતવ્યોનું આદાન પ્રદાન કરી શકે છે તેમ જ સમસ્યાઓ જણાવી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં નવી તકો પણ જાણી શકે છે, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કૃષિને લગતી માહિતી માત્ર અંગ્રેજી ભાષા સુધી સીમિત ન હોવી જોઈએ અને તે જુદી જુદી ભાષાઓમાં પ્રસારિત થવી જોઈએ જેથી સંશોધકો અને ખેડૂતો વચ્ચે ખાઈ ન રહે.