ગાંધીધામ, તા. 11 : દીનદયાલ પોર્ટ દ્વારા કંડલા ખાતે હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. પોર્ટને ગ્રીન પોર્ટ?બનાવવાની દિશામાં પ્રશાસન દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ?પગલાં લેવાયાં છે, તે પૈકી આગામી સમયમાં વધુ એક કદમ આ દિશામાં ઉપાડવામાં આવી રહ્યું છે.
જેમાં ડી.પી.એ.ની કંડલા-ગાંધીધામ વચ્ચે દોડતી સ્ટાફ બસ હાઈડ્રોજન બસ દોડાવવાની દિશામાં આયોજન ઘડાઈ રહ્યું છે. આગામી વર્ષે સંભવત આ બસો રોડ ઉપર દોડતી કરવાની વિચારણા ચાલી રહી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. દીનદયાલ પોર્ટ દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે તાજેતરમાં 15 જેટલી ઈલેક્ટ્રિક કાર દોડાવવામાં આવી રહી છે. હાલ કંડલામાં ફરજ બજાવતા સ્ટાફને ગાંધીધામ, આદિપુર, અંજારથી લાવવા અને મૂકવા માટે બસો ચાલી રહી છે, ત્યારે ડીઝલ બસના બદલે હાઈડ્રોજન બસ દોડાવવાની દિશામાં કામગીરી આગળ વધારવામાં આવી છે. અંતરંગ વર્તુળો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પસંદગીના રૂટો ઉપર આ ગ્રીન બસો દોડાવવામાં આવશે.
આ માટે 11 બસ એન.ટી.પી.સી. દ્વારા આપવામાં આવશે. ફ્યુઅલ માટે દીનદયાલ પોર્ટ દ્વારા નાના પાયે હાઈડ્રોજન ફ્યુઅલ પોઈન્ટ કંડલા ખાતે બનાવવામાં આવશે. સંભવત આગામી ઓગસ્ટ 2025 સુધીમાં આ બસો દોડતી થાય તેવું આયોજન પોર્ટ પ્રશાસન દ્વારા વિચારાધીન કરાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં હાઈડ્રોજન બસો રસ્તા ઉપર દોડી રહી છે, ત્યારે આગામી સમયમાં આ પ્રકલ્પથી કચ્છમાં પ્રથમ વખત ગાંધીધામ-કંડલાના રસ્તાઓ ઉપર હાઈડ્રોજન બસો દોડતી થશે. આ પ્રયાસથી વાતાવરણમાં પ્રદૂષણને ડામવામાં મહદઅંશે સફળતા મળી શકશે.