7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે હોળી પહેલાં જ ખુશીના સમાચાર આવી શકે છે. 12 માર્ચ, બુધવારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારના આ નિર્ણયથી 1.2 કરોડથી વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ થઈ શકે છે. 12 માર્ચે કેબિનેટની આ મુદ્દે બેઠક યોજાવાની છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થામાં વધારા અંગે જાહેરાત થઈ શકે છે.
સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થુ વધારે છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવતો આ વધારો એક જાન્યુઆરી અને એક જુલાઈના રોજથી લાગુ થાય છે.
ભથ્થામાં બે ટકાનો વધારો થશે
મીડિયા સુત્રો અનુસાર, સરકાર હોળી પહેલાં મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરી શકે છે. મોંઘવારી દર અનુસાર, કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં મોંઘવારી ભથ્થુ બે ટકા વધવાની શક્યતા છે. જેનાથી મોંઘવારી ભથ્થુ 53 ટકાથી વધી 55 ટકા થશે. જો કે, તેના પર અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે. ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધાર્યુ હતું. જે 1 જુલાઈ, 2024થી લાગુ થયુ હતું. આ વધારા બાદ મોંઘવારી ભથ્થુ 50 ટકાથી વધી 53 ટકા થયુ છે.
આટલો પગાર વધશે
કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો થાય તો રૂ. 18000ના બેઝિક પગારમાં માસિક રૂ. 360નો વધારો થશે. હાલ મોંઘવારી ભથ્થામાં રૂ. 9540 મળી રહ્યા છે, જે 2 ટકાના વધારા સાથે રૂ. 9900 થશે. મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધ્યું તો રૂ. 540 વધી કુલ મોંઘવારી ભથ્થું 10080 થશે.
આઠમું પગાર પંચ આગામી વર્ષથી લાગુ
જાન્યુઆરી, 2025માં કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી હતી. જે સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર કરશે. સાતમા પગાર પંચનો પીરિયડ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થશે. આઠમું પગાર પંચ 2026થી લાગુ થશે. જો કે, હાલ તેની શરતો અને તેમાં સામેલ સુધારાઓ અંગે માહિતી આપવામાં આવી નથી.