ટાટા ટેક્નોલોજીસના લિસ્ટિંગના લગભગ એક વર્ષ બાદ ટાટા ગ્રૂપ શેરબજારમાં બીજી કંપની લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ટાટા ગ્રૂપની ફ્લેગશિપ ફાઇનાન્શિયલ સર્વિસ યુનિટ ટાટા કેપિટલના IPO માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં આ વાત કહેવામાં આવી છે. ટાટા કેપિટલ એ નોન-બેંકિંગ નાણાકીય સેવાઓ (NBFC) કંપની છે. આ કંપની ટાટા સન્સની પેટાકંપની પણ છે.
મીડિયા રિપોર્ટમાં મુજબ ટાટા કેપિટલના IPO પર કામ શરૂ થઈ ગયું છે. જો કે આ આઈપીઓ કેટલો મોટો હશે તે હાલમાં નક્કી નથી થયું. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની રૂ. 15,000 કરોડનો IPO લાવવાની તૈયારી કરી રહી છે.
ટૂંક સમયમાં અન્ય બેંકોનો પણ આ પ્રક્રિયામાં સમાવેશ કરવા માટે સંપર્ક કરવામાં આવશે. આ પબ્લિક ઇશ્યૂમાં પ્રાયમરી અને સેકેન્ડ્રી શેરનો ઇશ્યૂ હશે.વાસ્તવમાં, આરબીઆઈએ એક પરિપત્રમાં કહ્યું હતું કે ઉપલા સ્તરની NBFCs માટે 3 વર્ષની અંદર લિસ્ટિંગ થવું ફરજિયાત છે.
RBIએ સપ્ટેમ્બર 2022માં આ પરિપત્ર જાહેર કર્યો હતો. ત્રણ વર્ષનો આ સમયગાળો સપ્ટેમ્બર 2025માં પૂરો થઈ રહ્યો છે. RBIના આ પરિપત્ર બાદ બજાજ હાઉસિંગ ફાઈનાન્સ પણ આ વર્ષે સપ્ટેમ્બરમાં લિસ્ટ થઈ ગયું છે. આ IPOને રોકાણકારો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને તે ઇશ્યૂ કિંમત કરતાં 135%ના પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો.
જૂનમાં જ ટાટા મોટર્સ, ટાટા કેપિટલ અને ટાટા મોટર્સ ફાઇનાન્સ લિમિટેડના બોર્ડ સભ્યોએ NCLT સ્કીમ હેઠળ મર્જરને મંજૂરી આપી હતી. આ મર્જર પ્રક્રિયા હેઠળ, ટાટા કેપિટલ તેના ઇક્વિટી શેર ટાટા મોટર્સ ફાઇનાન્સના શેરધારકોને જાહેર કરશે. આ પછી, ટાટા મોટર્સની મર્જ થયેલી કંપનીમાં 4.7% હિસ્સો રહેશે.