China to Boost Imports from India: અમેરિકાની ટેરિફ વોર શરૂ થવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભારત પ્રત્યે વેપાર સંબંધોમાં ચીને કૂણું વલણ અપનાવ્યાનું જોવા મળી રહ્યું છે. ભારત સાથેના વેપારને સમતુલિત કરવા ભારત પાસેથી વધુ માલસામાન ખરીદવાની ચીનના રાજદૂત ઝુ ફેઓંગે ઓફર કરી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.
વેપાર તથા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધુ મજબૂત બનાવવા અને ચીનને બંધબેસતા હોય તેવા વધુ ભારતીય પ્રોડકટસની આયાત કરવા અમે તૈયાર હોવાનું ભારત ખાતેના ચીનના રાજદૂતને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં બન્ને દેશો વચ્ચેનો દ્વીપક્ષી વેપાર આંક ૧૦૧.૭૦ અબજ ડોલર રહ્યો હતો. જેમાં ભારત મોટી વેપાર ખાધ ધરાવે છે. સરકારના ડેટા પ્રમાણે ચીન ખાતેની ભારતની મુખ્ય નિકાસમાં પેટ્રોલિયમ ઓઈલ, આયર્ન ઓર, મરિન પ્રોડકટસનો સમાવેશ થાય છે.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ભારતે ચીન ખાતે ૧૬.૬૦ અબજ ડોલરની નિકાસ કરી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બુધવાર બે એપ્રિલથી વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ચીનનું નિવેદન સૂચક માનવામાં આવે છે. ચીન ખાતેથી ઈલેકટ્રોનિક માલસામાન, સ્ટીલ, સેમીકન્ડકટર, ફાર્મા કાચા માલ સહિત અનેક માલસામાનની ભારત આયાત કરે છે.
તાજેતરમાં જ એક પોડકાસ્ટમાં નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના ભારોભાર વખાણ કર્યા હતા. ભારત-ચીન સરહદે સ્થિતિ શાંતિપૂર્ણ બનાવવા ચીનના પ્રમુખ ઝી ચિનપિંગ સાથે પણ ચર્ચા ચાલુ હોવાનું મોદીએ જણાવ્યું હતું.૨૦૨૦માં બન્ને દેશોના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ સંબંધોમાં ખટરાગ આવી ગઈ હતી.