Companies Bonds: ઉંચી યિલ્ડ છતા, કોર્પોરેટ જગત બોન્ડ થકી જ ભંડોળ એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું હોય છે. ફેબ્રુઆરીમાં કોર્પોરેટ સેક્ટર દ્વારા બોન્ડ થકી એકત્ર કરાયેલી રકમ રૂ. ૧ લાખ કરોડને વટાવી ગઈ છે. જાન્યુઆરીમાં કોર્પોરેટનું બોન્ડ ફંડરેસિંગ ભૂ-રાજકીય ઘટનાઓને કારણે ઉદ્દભવેલી બજારની અસ્થિરતાને કારણે પ્રમાણમાં ઓછું રહ્યું હતુ.
ડેટા અનુસાર ફેબ્રુઆરીમાં કોર્પોરેટ સેક્ટરે ૧૯૭ બોન્ડ ઇશ્યૂ દ્વારા કેપિટલ બજારોમાંથી રૂ. ૧.૦૭ લાખ કરોડ એકત્ર કર્યા હતા, જે જાન્યુઆરીમાં એકત્ર કરાયેલા રૂ. ૭૨,૮૧૧ કરોડ કરતા ૪૭ ટકા વધુ હતા. નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ફેબ્રુઆરી મહિના સુધીમાં કોર્પોરેટ બોન્ડ દ્વારા રૂ. ૯.૬૦ લાખ કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષના અંત સુધીમાં આ આંકડો રૂ. ૧૦.૧૯ લાખ કરોડને પાર થવાની ધારણા છે. ફેબ્રુઆરીમાં મુખ્ય બોન્ડ જારી કરનારાઓમાં નાબાર્ડ, સિડબી, પીએફસી, આરઈસી, એનએચબી વગેરેનો સમાવેશ થાય છે.
ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં બોન્ડ દ્વારા એકત્ર કરાયેલ રકમ નાણાકીય વર્ષ ૨૦૨૦ પછીની સૌથી વધુ હતી. ૨૦૨૫ના વર્ષમાં કોર્પોરેટ સેક્ટરનું બોન્ડ થકી ફંડ રેસિંગ ચાર મહિના – જુલાઈ, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં ૧-૧ લાખ કરોડને વટાવી ગયું હતુ. ફેબ્રુઆરીમાં વ્યાજ દરમાં ઘટાડો થયો હોવા છતાં કોર્પોરેટ બોન્ડની યિલ્ડમાં વધારો થયો હતો. આ મુખ્યત્વે રાજ્ય સરકારની સિક્યોરિટીઝ સહિત કોર્પોરેટ બોન્ડના વધુ પડતા સપ્લાય અને રોકડ પ્રવાહ એટલકે સિસ્ટમ લિક્વિડિટીની કડક સ્થિતિને કારણે થયું હતું.
એસબીઆઈ ઇકોનોમિક રિસર્ચ રિપોર્ટ અનુસાર સરકારી સિક્યોરિટીઝનો રાજ્ય સરકારની સિક્યોરિટીઝ અને કોર્પોરેટ બોન્ડ વચ્ચેનો તફાવત ૩૦-૩૫ બેસિસ પોઇન્ટથી વધીને ૪૫-૫૦ બેસિસ પોઇન્ટ થયો છે.
જાન્યુઆરીમાં અનેક એકમોએ બોન્ડ થકી ફંડ એકત્ર કરવાની યોજનાઓ મુલતવી રાખ્યા બાદ અંતે ફેબ્રુઆરીમાં અગાઉના મહિને આંશિક સબ્સ્ક્રિપ્શન જ સ્વીકારતા અને હવે ફંડની જરૂરિયાત ઉભી થતા ઉંચી યિલ્ડ પર પણ ફોલો-ઓન ઇશ્યુ સાથે ફંડ એકત્ર કરવા બજારમાં પરત ફરવું પડયું હતુ.