Companies Market Value: બિલિયન-ડોલર માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા 500 પર સીમિત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Companies Market Value: ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે ૧ બિલિયન ડોલર કે તેથી વધુ માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી કંપનીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છેલ્લા પાંચ મહિનામાં એક અબજ ડોલર માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યામાં લગભગ ૨૦ ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે ૨૬ સપ્ટેમ્બરના રોજ બજાર સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતું ત્યારે એક અબજ ડોલરના માર્કેટ કેપ જૂથમાં ૬૧૮ કંપનીઓનો સમાવેશ થતો હતો પરંતુ હવે આવી કંપનીઓની સંખ્યા ઘટીને ૫૦૦ થઈ ગઈ છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણ વચ્ચે માર્કેટ કેપિટલાઈઝેશનમાં ૧ ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો થવાને કારણે આ કંપનીઓની સંખ્યા ઘટી છે. ૧૦૦ અબજ ડોલર કે તેથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા ૫થી ઘટીને ૪ થઈ ગઈ છે.

- Advertisement -

તેવી જ રીતે ૧૦ અબજ ડોલરથી ૧૦૦ અબજ ડોલરની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યા ૧૨૨થી ૨૮ ટકા સુધી ઘટીને ૮૭ થઈ ગઈ છે. ૧ બિલિયન ડોલરના માર્કેટ કેપ ક્લબમાંથી બહાર થઈ ગયેલી કંપનીઓમાં એનએચપીસી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓઈલ ઈન્ડિયા, ટોરેન્ટ પાવર અને મેરિકોનો સમાવેશ થાય છે.નિફ્ટી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ નોંધાવેલા સર્વકાલીન ઉચ્ચ સ્તરથી ૧૫.૮ ટકા ઘટયો છે અને કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. ૯૩ લાખ કરોડનો ઘટાડો થયો છે.

કંપનીના પરિણામોની સાપેક્ષે શેરના ઊંચા મૂલ્યાંકન, કંપનીના નફામાં ઘટાડો અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અર્નિંગ ગ્રોથ અને પ્રાઇસ ટૂ અર્નિંગ રેશિયો વચ્ચે મોટો તફાવત ધરાવતી કંપનીઓને સૌથી વધુ ફટકો પડયો છે.

- Advertisement -

૧ બિલિયન ડોલરથી ૧૦ બિલિયન ડોલરની માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની સંખ્યામાં ૧૬ ટકાનો ઘટાડો થયો છે. રેમન્ડ્સ, ટીટીકે પ્રેસ્ટિજ, એડલવાઈસ ફાઇનાન્શિયલ સર્વિસીસ, કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ અને એન્જિનિયર્સ ઇન્ડિયાનું બજાર મૂલ્ય એક અબજ ડોલરથી ઓછું થયું છે.

Share This Article