Demand Notice To Yes Bank: ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે યસ બેન્કને રૂ. 2209 કરોડની ડિમાન્ડ નોટિસ પાઠવી છે. આ નોટિસ અસેસમેન્ટ યર 2019-20 માટે આપવામાં આવી હોવાનું બેન્કે ગઈકાલે શનિવારે સ્ટોક એક્સચેન્જીસ પર જણાવ્યું હતું. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એપ્રિલ-2023માં 2019-20ના અસેસમેન્ટ યરને ટાંકી ડિમાન્ડ નોટિસ પાઠવી છે.
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નેશનલ ફેસલેસ અસેસમેન્ટ યુનિટે 28 માર્ચના રોજ ફરીથી અસેસમેન્ટ ઓર્ડર રજૂ કર્યો હતો. જેમાં કોઈ વધારાની રકમ કે ટીકા ઉમેરવામાં આવી નથી. જે આધાર પર ફરી તપાસ શરૂ થઈ હતી, તેને પાછી ખેંચી લેતાં યથાવત રકમની ડિમાન્ડ નોટિસ પાઠવવા નિર્ણય લીધો હતો. અર્થાત પહેલાં કલમ 144 હેઠળ મંજૂર કરવામાં આવેલા ઓર્ડરમાં બેન્ક દ્વારા દર્શાવવામાં આવેલી આવકનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી બેન્ક પર કોઈ વધારાની ટેક્સ ડિમાન્ડ લાગુ થતી નથી.
2209.17 કરોડની ડિમાન્ડ નોટિસ
યસ બેન્કે જણાવ્યું કે, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કલમ 156 હેઠળ ટેક્સ ડિમાન્ડ નોટિસ અને કેલ્યુલેશન શીટ જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ રૂ. 2209.17 કરોડની માગ કરવામાં આવી છે. તેમાં રૂ. 243.02 કરોડ વ્યાજ પણ સામેલ છે. આ માગ ‘પ્રથમ દ્રષ્ટીએ કોઈપણ ઠોસ પુરાવા વિના’ થઈ છે. બેન્ક આ મામલે પોતાના પક્ષમાં મજબૂત આધાર રજૂ કરશે. આ આદેશથી તેની નાણાકીય, ઓપરેટિંગ અને અન્ય ગતિવિધિઓ પર કોઈ નકારાત્મક અસર થશે નહીં. ફરીથી મૂલ્યાંકનના આદેશ વિરૂદ્ધ કાયદા હેઠળ અપીલ અને સુધાર પ્રક્રિયા શરૂ કરશે.
યસ બેન્કના શેરમાં કડાકો
શુક્રવારે યસ બેન્કનો શેર 2.38 ટકા ઘટાડા સાથે રૂ. 16.88 પર બંધ રહ્યો હતો. છેલ્લા 12 માસમાં યસ બેન્કનો શેર 27.24 ટકા તૂટ્યો છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં આશરે 13.83 ટકાનો કડાકો નોંધાયો છે.