Elon Musk Sells X: અમેરિકન ઉદ્યોગપતિ ઇલોન મસ્કએ થોડા વર્ષો પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્વિટર’ ખરીદ્યું અને પછી તેનું નામ બદલીને ‘X’ કરી દીધું હતુ. મસ્કએ મેનેજમેન્ટ સંભાળતાની સાથે જ ઘણા ફેરફારો કર્યા અને બ્લુ ટિક માટે લોકો પાસેથી ફી વસૂલવાનું શરૂ કર્યું. હવે મસ્કએ X પણ વેચી દીધું છે. પરંતુ આ વખતે Xને મસ્કની અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAIએ ખરીદ્યું છે. આ ડીલ 33 અબજ ડોલરમાં કરવામાં આવી છે. ભારતીય ચલણમાં આ રકમ 2 લાખ 82 હજાર કરોડ રૂપિયાથી વધુ છે.
મસ્કએ પ્લેટફોર્મ X પર કરી જાહેરાત
ઇલોન મસ્કએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ‘અમારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI એ 33 બિલિયન ડોલરના ઓલ-સ્ટોક ટ્રાન્ઝેક્શનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xનો સમાવેશ કર્યો છે. આ અંગે જાણકારી આપતા મસ્કએ X પોસ્ટમાં લખ્યું, ‘xAI એ ઓલ-સ્ટૉક ટ્રાન્ઝેક્શનમાં X ને સામેલ કર્યું છે. આ કોમ્બિનેશનમાં xAIનું મૂલ્ય $80 બિલિયન છે અને Xનું મૂલ્ય $33 બિલિયન છે. આ સોદામાં $12 બિલિયનનું દેવું સામેલ છે, જેના કારણે Xનું એકંદર વેલ્યુએશન $45 બિલિયન થઈ જાય છે.’
આ બાબતે ઇલોન મસ્કે વધુમાં કહ્યું કે, ‘બે વર્ષ પહેલાં તેની સ્થાપના થઈ ત્યારથી, xAI ઝડપથી વિશ્વની ટોચની AI લેબમાંની એક બની ગઈ છે, જબરદસ્ત સ્પીડ અને સ્કેલ પર મોડેલ્સ અને ડેટા સેન્ટર્સ બનાવવામાં આવી રહ્યા છે.’
જાણો આ મર્જરથી શું ફાયદો થશે
મસ્કે આગળ કહ્યું, ‘xAI અને Xનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આજે અમે સત્તાવાર રીતે ડેટા, મોડલ, ગણતરી, વિતરણ અને ટેલેન્ટને મર્જ કરવા માટે પગલું ભરી રહ્યા છીએ. આ મર્જર xAI ની AI ક્ષમતાઓ અને X ના વિશાળ નેટવર્કને જોડીને લાભ લાવશે. મતલબ કે બંને કંપનીઓ સાથે મળીને કામ કરશે. જેનાથી લોકોને વધુ સારી સુવિધા મળશે. આ કંપની અબજો લોકોને વધુ સારો અને વધુ ઉપયોગી અનુભવ આપશે. ઉપરાંત, અમારું મુખ્ય ધ્યેય સત્ય શોધવાનું અને જ્ઞાન વધારવાનું છે.’
AI Grok ને પ્રોત્સાહન આપવા માટે લેવાયું આ પગલું?
2023 માં xAI દ્વારા Grok લોન્ચ કરવામાં આવ્યું હતું. Grok એ X માં સંકલિત એક AI ચેટબોટ છે જે રીઅલ-ટાઇમ રિસ્પોન્સ આપે છે અને ઓનલાઇન ચર્ચાઓમાં ભાગ લે છે. મસ્ક એ ‘wake AI’ ના વિકલ્પ તરીકે ગ્રોકનું માર્કેટિંગ કર્યું છે. મસ્કે જણાવ્યું હતું કે xAI ની અદ્યતન AI ક્ષમતાઓ xAI ના 600 મિલિયનથી વધુ યુઝર બેઝ સાથે મળીને વધુ સ્માર્ટ અને વધુ અર્થપૂર્ણ અનુભવો આપશે.