Equity MF Inflows Drop: વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની સાથે સેન્ટીમેન્ટ ડહોળાઈ જતાં અને ઘર આંગણે શેર બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે સતત નવા રોકાણમાં સાવચેતીના પરિણામે ઘણા રોકાણકારો રોકાણ પાછું ખેંચવા લાગતાં સેકન્ડરી માર્કેટની જેમ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં પણ તેજીના વળતાં પાણી થવા લાગી સંકટના વાદળો ઘેરાતાં જોવાઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ઘટીને રૂ.૨૫,૦૮૨ કરોડની ૧૧ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડામાં આજે જાહેર કરાયું છે.
માર્ચ ૨૦૨૫ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ફેબુ્રઆરીની તુલનાએ ૧૪ ટકા ઘટીને રૂ.૨૫,૦૮૨.૦૧ કરોડ નોંધાયો છે. માર્ચમાં બીએસઈ સેન્સેક્સ ૫.૭૭ ટકા અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૬.૩૦ ટકા વધ્યા હતા. ફેબુ્રઆરી ૨૦૨૫માં ૨૬ ટકા ઘટીને રૂ.૨૯,૩૦૩.૩૪ કરોડ નોંધાયો હતો. આ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી પણ રોકાણ પ્રવાહ માસિક ધોરણે નજીવો ઘટીને માર્ચમાં રૂ.૨૫,૯૨૬ કરોડની ચાર મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે.
ફોલિયોની સંખ્યામાં માર્ચ મહિનાના અંતે ૩૧.૮૫ ટકા વૃદ્વિ નોંધાઈ છે. એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ ૨૦૨૪ના રૂ.૫૩.૪૦ લાખ કરોડની તુલનાએ ૨૩.૧૧ ટકા વધીને માર્ચ ૨૦૨૫ના અંતે રૂ.૬૫.૭૪ લાખ કરોડ નોંધાયું છે.
ઈક્વિટી ફંડ કેટેગરીમાં માર્ચમાં સેક્ટરલ/થીમેટિક ફંડોમાં નેટ રોકાણમાં ઘટાડો થયો છે. જે ફેબુ્રઆરીના રૂ.૫૭૧૧.૫૮ કરોડની તુલનાએ ૯૭ ટકા ઘટીને માર્ચમાં રૂ.૧૭૦.૦૯ કરોડ નોંધાયું છે. આ સિવાય સ્મોલ કેપ અને મિડ કેપ ફંડોમાં એકંદર વૃદ્વિ રહી છે. સ્મોલ કેપ ફંડોમાં ચોખ્ખું રોકાણ ૧૦ ટકા વધીને રૂ.૪૦૯૨.૧૨ કરોડ અને મિડ કેપ ફંડોમાં ૦.૯૨ ટકા વધીને રૂ.૩૪૩૮.૮૭ કરોડ થયું છે. જો કે લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૩.૫ ટકા ઘટીને રૂ.૨૪૭૯.૩૧ કરોડ નોંધાયો છે.
ડેટ ફંડ કેટેગરીમાં ફિક્સ્ડ ઈન્કમ ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ફેબુ્રઆરીના રૂ.૬૫૨૫.૫૬ કરોડની ચોખ્ખી જાવકની તુલનાએ માર્ચમાં રૂ.૨.૦૩ લાખ કરોડ ચોખ્ખી જાવક નોંધાઈ છે.
ઈક્વિટી ફંડોની કેટેગરીમાં નેટ રોકાણ/ઉપાડ
ફંડ કેટેગરી | ફેબુ્રઆરી | માર્ચ |
(રૃ.કરોડમાં) | ૨૦૨૫ | ૨૦૨૫ |
મલ્ટિ કેપ ફંડ | +૨૫૧૮ | +૨૭૫૩ |
લાર્જ કેપ ફંડ | +૨૮૬૬ | +૨૪૭૯ |
લાર્જ-મિડ કેપ | +૨૬૫૬ | +૨૭૧૮ |
મિડ કેપ ફંડ | +૩૪૦૭ | +૩૪૩૯ |
સ્મોલ કેપ ફંડ | +૩૭૨૨ | +૪૦૯૨ |
ડિવિડન્ડ યીલ્ડ ફંડ | +૬૯ | +૧૪૧ |
વેલ્યુ ફંડ-કોન્ટ્રા ફંડ | +૧૩૪૭ | +૧૫૫૩ |
ફોક્સ્ડ ફંડ | +૧૨૮૮ | +૧૩૮૬ |
સેક્ટરલ/થીમેટિક | +૫૭૧૨ | +૧૭૦ |
ઈએલએસએસ ફંડ | +૬૧૫ | +૭૩૫ |
ફ્લેક્સી કેપ ફંડ | +૫૧૦૪ | +૫૬૧૫ |
કુલ રોકાણ/ઉપાડ | +૨૯,૩૦૩ | +૨૫,૦૮૨ |