FDI drops: એપ્રિલ ૨૦૨૪ અને ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે ચોખ્ખું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (એફડીઆઈ) ઝડપથી ઘટીને ૧.૫ બિલિયન ડોલર થઈ ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૧.૫ બિલિયન ડોલર હતું.
ભારતમાંથી વિદેશમાં ભંડોળના ઊંચા રોકાણ અને પરત ફરવાના કારણે આ શક્ય બન્યું છે. જોકે, કુલ એફડીઆઈ પ્રવાહમાં વધારો ચાલુ છે. એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતમાં કુલ એફડીઆઈ પ્રવાહ વાર્ષિક ધોરણે ૧૫.૨ ટકા વધીને ૭૫.૧ બિલિયન ડોલર થયુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૬૫.૨ બિલિયન ડોલર હતું.
રિઝર્વ બેંકના બુલેટિન મુજબ, સૌથી વધુ નાણાં સિંગાપોરથી આવ્યા છે, જેનો કુલ એફડીઆઈ પ્રવાહમાં હિસ્સો ૨૯.૮ ટકા છે. ત્યારબાદ મોરેશિયસ અને અમેરિકાનો ક્રમ આવે છે. વિદેશી રેમિટન્સનો સૌથી વધુ જથ્થો ઉત્પાદન ક્ષેત્રમાંથી આવ્યો (૨૪.૧ ટકા) છે. તે પછી નાણાકીય સેવાઓ અને વીજળી ક્ષેત્રનો ક્રમ આવે છે.
ભારતમાં સીધા રોકાણકારો દ્વારા પરત મોકલવામાં આવેલ રકમ/વિનિવેશ પણ વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૧૧ મહિના દરમિયાન ૪૮.૯ બિલિયન ડોલર થયુ છે, જે એપ્રિલ ૨૦૨૩ અને ફેબ્રુઆરી ૨૦૨૪ વચ્ચે ૪૦.૭ બિલિયન ડોલર હતું.
એપ્રિલ ૨૦૨૪થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં રોકાણ ઝડપથી વધીને ૨૪.૮ બિલિયન ડોલર થયું છે, જે એક વર્ષ પહેલા ૧૩ બિલિયન ડોલર હતું. વૈશ્વિક સ્તરે, યુએસ એફડીઆઈ પ્રવાહ માટે સૌથી પસંદગીનું સ્થળ રહ્યું છે.