FII Holdings In Indian Stock Market: FIIની ભારે વેચવાલી, ભારતીય હોલ્ડિંગ 13 માસના તળિયે

Arati Parmar
By Arati Parmar 3 Min Read

FII Holdings In Indian Stock Market: ભારતીય શેરબજાર માટે નવુ કેલેન્ડર વર્ષ 2025 અત્યારસુધી અપશુકનિયાળ રહ્યું છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી સેન્સેક્સ 4408.78 પોઈન્ટ (5.64 ટકા), તો નિફ્ટી 1307.5 પોઈન્ટ (5.53 ટકા) તૂટ્યો છે. ભારતીય શેરબજારમાં આટલા મોટા કડાકા પાછળ જવાબદાર પરિબળો પૈકી એક કારણ વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા પાંચ માસમાં ભારતીય શેરબજારમાંથી રૂ. 3,23,765.23 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે.આ વેચવાલીના પગલે તેમનું હોલ્ડિંગ 13 માસના તળિયે નોંધાયું છે.

FIIની AUC 13 માસના તળિયે

- Advertisement -

એફઆઈઆઈની એસેટ્સ અંડર કસ્ટડી (AUC) ફેબ્રુઆરી સુધીમાં રૂ. 62.38 લાખ કરોડ થઈ હતી. જે જાન્યુઆરી 2024 પછીની સૌથી નીચી સપાટી દર્શાવે છે. સપ્ટેમ્બર 2024માં AUC રૂ. 77.96 લાખ કરોડની ટોચથી રૂ. 15.58 લાખ કરોડ ઘટી છે.

ઓટો સેક્ટર્સમાં સૌથી વધુ વેચવાલી

- Advertisement -

વિદેશી રોકાણકારોએ સૌથી વધુ વેચવાલી ઓટો સેક્ટરમાં નોંધાવી છે. ફેબ્રુઆરીના બીજા અર્ધમાસિકમાં એફઆઈઆઈએ ઓટો સેક્ટરમાંથી રૂ. 3279 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું છે. હેલ્થકેર સેગમેન્ટમાં રૂ. 2996 કરોડ અને એફએમસીજીમાં રૂ. 2568 કરોડના શેર્સની વેચવાલી દર્શાવી છે. આ સિવાય કંસ્ટ્રક્શન મટિરિયલ્સ (રૂ. 1,820 કરોડ), નાણાકીય (રૂ. 1,647 કરોડ), બાંધકામ (રૂ. 1,465 કરોડ) અને કેપિટલ ગુડ્સ (રૂ. 1,258 કરોડ) તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસમાંથી અનુક્રમે રૂ. 1,241 કરોડ, રૂ. 1,234 કરોડ અને રૂ. 943 કરોડનું વેચાણ કર્યું છે.

આ સેગમેન્ટમાં નોંધાવી લેવાલી

- Advertisement -

વિદેશી રોકાણકારોએ છેલ્લા પાંચ માસ સળંગ નેટ વેચવાલી વચ્ચે ઘણા સેક્ટર્સના શેર નીચા મથાળે ખરીદ્યા પણ હતાં. ટેલિકોમ, કેમિકલ, મીડિયા સેગમેન્ટમાં એફઆઈઆઈએ ક્રમશઃ 5661 કરોડ, 112 કરોડ અને 34 કરોડની ખરીદી નોંધાવી હતી.

એફઆઈઆઈની વેચવાલી પાછળના કારણો

ચીનમાં કોવિડ મહામારી દરમિયાન નોંધાયેલી આર્થિક મંદી છેક હવે રિકવર થઈ છે. ઓક્ટોબરથી ચીનનો મજબૂત આર્થિક ગ્રોથ અને વિદેશી રોકાણકારોને આકર્ષવા આર્થિક રાહત પેકેજના પગલે એફઆઈઆઈ ચીનના બજાર તરફ ડાયવર્ટ થયા છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસના કારણે ડોલરની સતત મજબૂતી પણ વેચવાલીનું એક કારણ રહ્યું છે. વિદેશી રોકાણકારોમાં ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડાની ભીતિ તેમજ છેલ્લા બે વર્ષથી મજબૂત તેજી સાથે વેગવાન બનેલા ભારતીય શેરબજારમાંથી પ્રોફિટ બુક કરવાનું વલણ જોવા મળ્યું છે.

નિષ્ણાતોના મતે ઓવરસોલ્ડ માર્કેટમાં ટેક્નિકલી રિકવરી જોવા મળી શકે છે. જો કે, એફઆઈઆઈ આ રિકવરીમાં ભાગ લેશે કે કેમ તે તો વૈશ્વિક પરિબળો જ નક્કી કરશે. વિદેશી રોકાણકારોની સતત વેચવાલીએ આર્થિક ગ્રોથ મંદ પડી શકે છે, તેમજ કોર્પોરેટ્સની આવક પણ ઘટી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના આર્થિક વિકાસ લક્ષી પગલાંઓ વિદેશી રોકાણકારોને ભારતીય શેરબજારથી દૂર કરી શકે છે.

Share This Article