Financial structure of the economy: આગામી દાયકો દેશને આર્થિક રીતે સુધારવા માટે મહત્વપૂર્ણ છે અને રિઝર્વ બેંક ભારતની નાણાકીય વ્યવસ્થાને સુધારવા માટે તમામ સંભવિત પગલાં લેશે તેમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું.
રિઝર્વ બેંક ઉભરતા આર્થિક પરિદ્રશ્યમાં પહોંચને વિસ્તૃત કરીને, કાર્યક્ષમતા વધારીને અને સુગમતાને મજબૂત કરીને નાણાકીય સ્થિતિ સુધારવા માટે કામ કરી રહી છે. રિઝર્વ બેંક ગ્રાહક સેવા સુધારવા અને ગ્રાહક સુરક્ષાને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આરબીઆઈની ભૂમિકા તેના પ્રારંભિક લક્ષ્યો કરતાં નોંધપાત્ર રીતે વિસ્તરી છે. આજે આપણે પરંપરા અને પરિવર્તનના આંતરછેદ પર ઊભા છીએ, જ્યાં ભાવ સ્થિરતા, નાણાકીય સ્થિરતા અને આર્થિક વૃદ્ધિની આવશ્યકતાઓ ઝડપથી આગળ વધતી ટેકનોલોજી, વૈશ્વિક અનિશ્ચિતતાઓ, આબોહવા પરિવર્તનના પડકારો અને વધતી જતી જાહેર અપેક્ષાઓ સાથે છેદે છે.
આગામી દાયકો ભારતીય અર્થવ્યવસ્થાના નાણાકીય માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. RBI નાણાકીય સમાવેશને વધારવા માટે પ્રતિબદ્ધ છે. લોકો સુધી બેંકોની પહોંચ વધારવા માટે ૫૫.૧ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નાણાકીય સમાવેશ સૂચકાંક અનુસાર, માર્ચ ૨૦૨૪ સુધીમાં દેશમાં નાણાકીય સમાવેશ ૬૪.૨ હતો, જ્યારે વર્ષ ૨૦૨૩માં તે ૬૦.૧ અને વર્ષ ૨૦૧૭માં ૪૩.૪ હતો. આ સૂચકાંક ત્રણ પેટા શ્રેણીઓ પર ઍક્સેસ, ગુણવત્તા અને ઉપયોગ આધારિત છે.
રિઝર્વ બેંકના પ્રયાસ નાણાકીય સ્થિરતા અને કાર્યક્ષમતાના હિતોને સંતુલિત કરીને નિયમનકારી માળખાને લવચીક બનાવવાનો રહેશે. અમે ટેક્નોલોજી અને નવીનતાને સમર્થન આપવાનું ચાલુ રાખીશું. ગ્રાહક સેવાઓમાં સતત સુધારણા અને ગ્રાહક સુરક્ષાને મજબૂત કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરીશું. રિઝર્વ બેંક તમામ પડકારોનો સામનો કરવા અને તકોનો લાભ લેવા તૈયાર છે.