Gold ETF: ટ્રમ્પના ટેરિફ વોરની ચિંતા, વૈશ્વિક અનિશ્ચિત્તાના માહોલ અને અન્ય એસેટ્ ક્લાસના ઘટતા આકર્ષણના કારણે પીળી ધાતુની વિશ્વભરમાં ભારે ડિમાન્ડ છે. ઉંચા ભાવ છતા ગોલ્ડ ઈટીએફમાં મસમોટો રોકાણ પ્રવાહ આવી જ રહ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા પરથી જાણવા મળ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ ફેબુ્રઆરી, ૨૦૨૫માં ગ્લોબલ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં કુલ ૯.૪ બિલિયન ડોલરની ખરીદી કરવામાં આવી છે. ભારતીય ચલણ પ્રમાણે નજર કરીએ તો ઈટીએફમાં લગભગ ૭૭,૦૦૦ કરોડની ખરીદી નોંધાઈ છે, જે માર્ચ ૨૦૨૨ પછીનો સૌથી મોટો માસિક વધારો છે. આ આંકડો રોકાણકારોના સેન્ટિમેન્ટમાં મોટો ફેરફાર દર્શાવે છે કારણકે આર્થિક અનિશ્ચિતતા અને બજારની અસ્થિરતા વચ્ચે સોનું ફરી એકવાર સલામત રોકાણ વિકલ્પ બની રહ્યું છે.
ફેબુ્રઆરીમાં સોનાનો વૈશ્વિક વેપાર દરરોજ ૩૦૦ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. સ્થાનિક શેરબજારમાં અવિરત તેજી છતા અમેરિકામાં પણ ગોલ્ડ ઈટીએફમાં ટ્રેડિંગ એક્ટિવિટીમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો માટે સોનું ટોચની એસેટ ક્લાસ છે.ઈટીએફ થકી ગોલ્ડની ખરીદીમાં વધારા પાછળ બોન્ડ યિલ્ડમાં ઘટાડો પણ જવાબદાર છે. યુએસ ટ્રેઝરી બોન્ડ પરની યિલ્ડ ઘટતા રોકાણકારો અન્ય સુરક્ષિત રોકાણ તરફ વળતા સોનાની માંગમાં વધારો થયો છે. આ સિવાય ડોલરની નબળાઈ પણ ઈન્ફલોમાં વધારા પાછળ જવાબદાર છે.
તદુપરાંત યુએસ-ચીન વેપાર યુદ્ધ, યુરોપમાં રાજકીય અનિશ્ચિતતા અને રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે સોનંમ એક સેફ હેવન ઈન્વેસ્ટમેન્ટ સાબિત રહ્યું છે. ભારત, ચીન, અમેરિકા સહિતના શેરબજારમાં ઉંચા વેલ્યુએશન અને મર્યાદિત તેજીની સંભાવનાને કારણે સોનામાં રોકાણ વધ્યું છે.
અમેરિકા અને એશિયામાં સૌથી વધુ રોકાણ
– ઉત્તર અમેરિકા : સૌથી વધુ ૬.૮ અબજ ડોલરનું રોકાણ
– એશિયા : ૨.૩ અબજ ડોલરનું રોકાણ થયું
– યુરોપ : યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ટેરિફની અનિશ્ચિત્તાઓ વચ્ચે ઈન્ફલો ઘટીને ૧૫.૧ કરોડ
ભારત-ચીનમાં ભારે ડિમાન્ડ:
ભારતમાં પણ ફેબુ્રઆરી, ૨૦૨૫માં ગોલ્ડ ઈટીએફમાં ૨૨૦ મિલિયન ડોલર અર્થાત્ લગભગ રૂ.૧૮૦૦ કરોડનું રોકાણ થયું હતું. જોકે જાન્યુઆરીની સરખામણીમાં આ આંકડો સામાન્ય ઘટયો છે પરંતુ રોકાણકારોનો વિશ્વાસ હજુ પણ અકબંધ છે.
ભારતના સ્પર્ધક દેશ ચીનમાં પણ એઆઈ શેરમાં વધારો થવા છતાં સોનાની માંગ મજબૂત રહી છે. ૨૦૧૩ પછી પ્રથમ વખત ‘સોનું’ શોધનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. શાંઘાઈ ફ્યુચર્સ એક્સચેન્જ પર ગોલ્ડ ટ્રેડિંગ વોલ્યુમમાં તીવ્ર વધારો થયો છે.