Gold Imports Value Up: સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વધી છે પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ઊંચા ભાવને કારણે સોનાનું આયાત બિલ ગયા નાણાં વર્ષમાં ઊંચુ રહેવા પામ્યું છે.
સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઐતિહાસિક તેજીને પરિણામે આયાત આંક ઊંચો રહ્યો છે.ગત નાણાં વર્ષમાં સોનાની એકંદર આયાત ૨૭.૨૭ ટકા વધી ૫૮ અબજ ડોલર રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૪૫.૫૪ અબજ ડોલર જોવા મળી હતી.
આયાતમાં વધારો સોનું એક સલામત ઈન્વેસ્ટમેન્ટ સાધન હોવાના રોકાણકારોના વિશ્વાસને સ્થાપિત કરે છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બેન્કો દ્વારા સોનાની માગમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ભાવને ટેકો મળ્યો છે.
ડોલરમાં નબળાઈ, ટેરિફ વોર તથા આર્થિક અનિશ્ચિતતાને પરિણામે સોનાના ભાવ હાલમાં રેકોર્ડ સપાટીએ બોલાઈ રહ્યા છે.
માર્ચમાં સોનાની આયાત મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૧૯૨ ટકા જેટલી વધી ૪.૪૭ અબજ ડોલર રહી છે.સોનાની સરખામણીએ માર્ચમાં ચાંદીની આયાત મૂલ્યની દ્રષ્ટિએ ૮૫.૪૦ ટકા ઘટી ૧૧.૯૩ કરોડ ડોલર રહી હતી. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં ચાંદીની એકંદર આયાત વાર્ષિક ધોરણે ૧૧.૨૪ ટકા ઘટી ૪.૮૨ અબજ ડોલર રહ્યાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.
ભારતની સોનાની આયાતમાં ૪૦ ટકા સાથે સ્વીત્ઝરલેન્ડનો સૌથી મોટો હિસ્સો છે જ્યારે ૧૬ ટકા સાથે યુએઈ બીજા ક્રમે અને દસ ટકા સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે રહ્યું છે.
દેશના એકંદર આયાત બિલમાં સોનાનો હિસ્સો આઠ ટકા રહ્યો છે.
નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૯૫.૩૨ ટનની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં સોનાની આયાત ઘટી ૭૫૭.૧૫ ટન રહી હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
સોનાના ઊંચા આયાત બિલને કારણે ગત નાણાં વર્ષમાં દેશની વેપાર ખાધ વધી ૨૮૨.૮૨ અબજ ડોલર સાથે ઓલ ટાઈમ હાઈ રહી હતી. ચીન બાદ ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છે.