Gold Price All Time High: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફની જાહેરાતોના કારણે કિંમતી ધાતુમાં તેજીનો જુવાળ જોવા મળ્યો છે. સોના-ચાંદીના ભાવ સતત નવી રેકોર્ડ ટોચ નોંધાવાની સાથે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું માર્ચ મહિનામાં રૂ. 5500 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. વૈશ્વિક બુલિયન બજારમાં વર્ષ 1986 બાદ સોનામાં આકર્ષક તેજી જોવા મળી છે.
ટ્રમ્પે કાર પર 25 ટકા ટેરિફ લાદવાની સાથે એપ્રિલમાં રેસિપ્રોકલ ટેરિફ લાદવાની મક્કમતા દર્શાવતાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ વધી છે. અમેરિકામાં ફુગાવાના અંદાજ સામે ડોલર ઈન્ડેક્સ પણ તૂટ્યો છે. આ અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે રોકાણકારો સેફ હેવન તરફ ડાયવર્ટ થયા છે. સેન્ટ્રલ બેન્કો પણ મોટાપાયે સોનાની ખરીદી નોંધાવી રહી હોવાથી સોનાના ભાવ રોજ નવી રેકોર્ડ ટોચ નોંધાવી રહ્યા છે.