Gold price today: વિશ્વ બજારમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછળકુદ જોવા મળી હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૨૯૫થી ૩૨૯૬ વાળા નીચામાં ૩૨૬૫ થયા પછી ઉંચામાં ભાવ ૩૩૭૦ થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૩૩૧૯થી ૩૩૨૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટ તથા ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક થનારી ચર્ચા પર બજારના ખેલાડીઓની નજર રહી હતી. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશદીઠ ૩૩.૩૦થી ૩૩.૩૧ વાળા નીચામાં ૩૨.૭૭ તથા ઉંચામાં ૩૩.૬૮ થઈ છેલ્લે ભાવ ૩૩.૧૧થી ૩૩.૧૨ ડોલર રહ્યા હતા.
મુંબઈ ઝવેરી બજારમાં આજે શનિવારના કારણે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જો કે બંધ બજારે સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા જ્યારે ચાંદીના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના રૂ.૯૮૮૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૧૦૦ બોલાતા થયા હતા. જો કે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ ઘટી રૂ.૯૭૦૦૦ બોલાયા હતા.
દરમિયાન, ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૯ તથા નીચામાં ૯૯.૪૦ થઈ છેલ્લે ૯૯.૫૯ રહ્યાના સ માચાર હતા. અમેરિકામાં બિઝનેસ એક્ટીવીટી ધીમી પડતાં ૧૬ મહિનાના તળિયે ઉતરી ગયાના વાવડ હતા. એપ્રિલમાં ત્યાં આવી વેપારી પ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરીફ તથા વેપાર યુદ્ધ છેડાતાં ત્યાં બિઝનેસ એક્ટીવીટીને અસર પડયાની ચર્ચા હતદી, ત્યાં કન્ઝયુમર સેન્ટીમેન્ટમાં પણ પીછેહટ જોવા મળી છે.અમેરિકામાં બેરોજગારીના દાવાઓ ૨ લાખ ૧૬ હજારથી વધી ૨ લાખ ૨૨ હજાર આવ્યાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૫.૪૪ વાળા ઘટી રૂ.૮૫.૩૯થી ૮૫.૪૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૨૪૮ વાળા રૂ.૯૫૭૦૦ જ્યારે ૯૯૯ના રૂ.૯૫૬૩૧ વાળા રૂ.૯૬૧૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૬૮૪ વાળા રૂ.૯૬૬૫૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં ૧૯૬૯માં પ્રમુખ બનેલા ચિર્ડ નિકસનના પ્રમુખપદના પ્રથમ ૧૦૦ દિવસમાં ડોલરના ભાવ નોંધપાત્ર તૂટયા હતા અને એ વખતનો વિક્રમ હવે ટ્રમ્પના પ્રથમ ૧૦૦ દિવસમાં તૂટી ગયા છેતથા ટ્રમ્પના પ્રથમ ૧૦૦ દિવસમાં ત્યાં ડોલરમાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધી ૯૭૮થી ૯૭૫થી ૯૭૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ વધી ૯૫૩ થઈ ૯૪૮થી ૯૪૯ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૭.૧૮ થઈ ૬૬.૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવપ છેલ્લે ૦.૩૨ ટકા નીચા બોલાઈ રહ્યા હતા.