Gold Rate Today: અમદાવાદ ઝવેરી બજારમાં આજ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવો ઈતિહાસ સર્જાયો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ઉછલી ઔંશના ૩૨૦૦ ડોલરની સપાટી પ્રથમવાર વટાવી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વ બજાર પાછળ આજે અમદાવાદ સોના-ચાંદી બજારમાં સોનું ૯૯.૯માં રૂ. ૨૩૦૦નો ઉછાળો નોંધાતા રૂ. ૯૬૩૦૦ની વિક્રમી ટોચે પહોંચી ગયું હતું. જ્યારે દિલ્હી ખાતે સોનું રૂ. ૯૬૪૫૦ની ટોચે પહોંચ્યું હતું.
અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડવોર વકરતાં તથા બન્ને દેશો એકમેક સામે વધુને વધુ ટેરીફ જાહેર કરવા માંડતા વિશ્વ બજારમાં સોનામાં સેફહેવન બાઈંગ વધ્યું છે. વૈશ્વિક ડોલર ઈન્ડેકસ ગબડતાં તેના પગલે પણ સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી. વિશ્વની વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો ડોલર વેંચી સોનું ખરીદતી જોેવા મળી હતી.
દરમિયાન, વિશ્વ બજાર ઝડપી વધી જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ ભાવ ઉછાળો આગળ વધ્યો હતો. દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૩૦૦ ઉછળી ૯૯૫ના રૂ.૯૬૦૦૦ તથા ૯૯૯ના રૂ.૯૬૩૦૦ બોલાઈ ઔગયા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે વધુ રૂ.૧૦૦૦ વધી રૂ.૯૪૦૦૦ બોલાયા હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ત્રણ દિવસમાં રૂ.૫૧૦૦ વધી ગયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૩૦૦૦ વધ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના રૂ.૩૧૨૫થી ૩૧૨૬ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૨૦૦ પાર કરી ૩૨૩૭થી ૩૨૩૮ ડોલર થઈ ૩૨૩૦થી ૩૨૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૯૬ થી ૩૦.૯૬૭ વાળા વધી ૩૧.૫૭ થઈ ૩૧.૪૬થી ૩૧.૪૭ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક કોપરના ભાવ આજે બે ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ ઉંચામાં ૯૫૨ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૯૩૧ તથા નીચામાં ૯૧૩ થઈ ૯૨૧થી ૯૨૨ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં જીએસટી વગર સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૯૨૯૭૯ તથા ૯૯૯ના રૂ.૯૩૩૫૩ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૨૯૨૯ બોલાયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ કોમોડિટીઝના ભાવ ઉછળી રહ્યા હતા ત્યારે ક્રૂડતેલના ભાવ તૂટી રહ્યાના સમાચાર મળ્યા હતા. વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડના ભાવ ઉંચામાં બેરલના ૬૪.૩૭ થયા પછી ઘટી ૬૨.૭૭ થઈ ૬૩.૩૬ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૪૩ થઈ ૬૦.૦૮ ડોલર રહ્યા હતા.