Gold rate today: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિના પગલે કિંમતી ધાતુ બજાર પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદી માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર બન્યા છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ગઈકાલે સોનું ફ્લેટ બંધ રહ્યા બાદ આજે નજીવા ઘટાડે ક્વોટ થઈ રહ્યું છે. એમસીએક્સ સોનું રૂ. 86000 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યું છે. જે આજે 86139 પ્રતિ 10 ગ્રામના સ્તરે ખૂલ્યા બાદ રૂ. 105ના નજીવા ઘટાડે 86047 પર ટ્રેડ થઈ રહ્યું છે.
અમદાવાદમાં ભાવ સ્થિર
વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ પણ 1.79 ડોલરના નજીવા ઘટાડે 2919.10 ડોલર પર ક્વોટ થયુ હતું. અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ સળંગ છેલ્લા ત્રણ દિવસથી રૂ. 88800 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો છે. તે અગાઉ સાત માર્ચે રૂ. 88900 પ્રતિ 10 ગ્રામ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે. ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી ગાળામાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે.
ચાંદીમાં તેજી યથાવત્ત
કિંમતી ધાતુ બજાર વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે હાલ સ્થિર બન્યું છે. પરંતુ તેમાં ચાંદી અપવાદ રૂપ સાબિત થઈ છે. ગત વર્ષે પણ આકર્ષક રિટર્ન આપનારી ચાંદીમાં તેજી યથાવત રહી છે. વૈશ્વિક ચાંદી 0.33 ટકા ઉછાળે 33.25 ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ હતી. એમસીએક્સ ચાંદી પણ આજે રૂ. 219ના ઉછાળે રૂ. 98351 પ્રતિ કિગ્રા પર કારોબાર કરી રહી હતી. ચાંદી વાયદો ગઈકાલે પણ રૂ. 1143 ઉછળી રૂ. 97608 પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો.