Gold Rate Today: મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલિયન બજારમાં સોનાના ભાવમાં રેકોર્ડ તેજીની ચાલને બ્રેક વાગી હતી તથા સોનાના ભાવ શિખર પરથી નીચા ઉતરતા જોવા મળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર સોનામાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઉંચા મથાળે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯૫ના રૂ.૯૩૫૦૦ તથા ૯૯૯ના રૂ.૯૩૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૯૯૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૩૧૩૩થી ૩૧૩૪ વાળા ઘટી નીચામાં ભાવ ૩૧૦૭થી ૩૧૦૮ થઈ ૩૧૨૩થી ૩૧૨૪ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ૩૩.૯૨થી ૩૩.૯૩ વાળા નીચામાં ૩૩.૬૦ થઈ ૩૩.૭૯થી ૩૩.૮૦ ડોલર રહ્યા હતા.
ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે વૃદ્ધી કરતાં કિંમતી ધાતુઓની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી થયાનું બજારના જાણકારો જણાીવી રહ્યા હતા. આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામના ૯૪૧થી વધી ૯૮૪ ડોલર તથા ચાંદીમાં કિલોદીઠ ૧૦૬૭થી વધી ૧૧૦૨ ડોલર કરાયાના સમાચાર હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૯૦૬૩૨ તથા ૯૯૯ના રૂ.૯૦૯૯૬ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઘટી રૂ.૯૯૫૩૬ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવઆ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૦.૬૨ ટકા પ્લસમાં હતા જ્યારે પ્લેટીનમના ભાવ નીચામાં ૯૭૬ તથા ઉંચામાં ૯૯૨ થઈ ૯૮૧થી ૯૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૮૧ તથા ઉંચામાં ૯૯૩ થઈ ૯૮૪થીિ ૯૮૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે ભાવ ફરી નીચા ઉતરતા જોવા મળ્યા હતા.
વૈશ્વિક બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૪.૬૦ વાળા નીચામાં ૭૩.૮૫ થઈ ૭૪.૦૩ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૧.૩૪ વાળા નીચામાં ૭૦.૬૧ થઈ ૭૦.૭૧ ડોલર રહ્યા હતા. ભારતમાં માર્ચમાં ક્રૂડતેલની આયાતમાં ૬૭ ટકાની વૃદ્ધી થયાના વાવડ હતા. ગોલ્ડમેન સેકના જણાવ્યા મુજબ સેફ હેવ બાઈંગ માટે જાપાનની કરન્સી યેન શ્રેષ્ઠ હોતાં સોનામાં આજે ઉંચા મથાળે નવી માગ ધીમી પડયાની ચર્ચા બજારમાં સંભળાતી હતી.