Gold Silver Price Boom: અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડવૉરની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુ બજારમાં આજે તેજી જોવા મળી છે. વૈશ્વિક બજારોના સથવારે સ્થાનિક સોના-ચાંદી બજારમાં પણ ભાવ વધ્યા છે. એમસીએક્સ ખાતે પણ સાંજના સેશનમાં સોનુ (5 જૂન, 2025 વાયદો) રૂ. 1265 ઉછાળે ક્વોટ થઈ રહ્યું હતું.
અમદાવાદમાં સોનામાં રૂ.1600નો ઉછાળો
અમદાવાદમાં આજે સોનાના ભાવમાં રૂ. 1600નો ઉછાળો જોવા મળ્યો હતો. અમદાવાદ બુલિયન બજારમાં સોનાની કિંમત રૂ. 94000 પ્રતિ 10 ગ્રામ થઈ હતી. જે ગઈકાલે રૂ. 92400 પ્રતિ 10 ગ્રામ હતી. મંગળવારે સોનું 91200 પ્રતિ 10 ગ્રામ થયા બાદ છેલ્લા બે દિવસમાં રૂ. 2800 મોંઘુ થયું છે.
ચાંદી પણ બે હજાર રૂપિયા ઉછળી
સોનાની સાથે ચાંદીની ચમક પણ વધી છે. અમદાવાદમાં ચાંદી ગઈકાલે રૂ. 500 સસ્તી થયા બાદ આજે રૂ. 2000 પ્રતિ કિગ્રા સુધી ઉછળી છે. ચાંદીનો ભાવ કિગ્રા દીઠ રૂ. 93000 બોલાઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે મંદીની ભીતિ વચ્ચે ચાંદીની ઔદ્યોગિક માગ ખોટવાઈ શકે છે. ટ્રમ્પના ટેરિફ વલણના કારણે મોટાભાગના દેશો સેફ હેવનમાં રોકાણ વધારી રહ્યા છે.
બુધવારે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, 70થી વધુ દેશોને હાલ 90 દિવસ પૂરતી ટેરિફમાં રાહત આપી છે. અમેરિકા આ દેશો સાથે વેપાર મંત્રણા કરવા તૈયાર છે. જો કે, તેમાં ચીનને મુક્તિ આપી નથી. બલ્કે ચીન પર ભારણ વધારતાં ટેરિફ 125 ટકા કર્યો છે. ટ્રમ્પના ટેરિફ વૉરના કારણે અમેરિકામાં ફુગાવો વધવાની વકી છે. જ્યારે વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ મળી રહ્યા છે. ટ્રમ્પે ટેરિફ મૂલતવી રાખતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. જેની અસર સેફ હેવન ધાતુ પર જોવા મળી હતી.