India Electric Vehicle Sales Increase: દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગળ વધી રહી છે અને અવારનવા નવા ફીચર્સવાળા ઈવી પણ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે ઈલેક્ટ્રિક વાહનના વેચાણ મુદ્દે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે.
મેં 2014માં કહેલી વાત આજે સાચી પડી : ગડકરી
ગડકરીએ કહ્યું કે, ‘ભારત 2030 સુધીમાં ઈલેક્ટ્રિક વાહનોનો સૌથી મોટો ઉત્પાદક બનવા માટે પહેલેથી જ તૈયાર છે. ભારતનું ઈવી ક્ષેત્રનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. જ્યારે અમારી સરકાર 2014માં સત્તામાં આવી હતી, ત્યારે મેં ઈલેક્ટ્રિક વાહનની વાત કરી હતી, જોકે તે વખતે મારા વિચાર પર કોઈએ વિશ્વાસ કર્યો ન હતો, પરંતુ આજે આ એક સત્ય બની ગયું છે.’
‘ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું’
તેમણે કહ્યું કે, ‘જ્યારે અમારી સરકારે સત્તા સંભાળી ત્યારે ભારતીય મોટન વાહન ઉદ્યોગનું કદ 14 લાખ કરોડ રૂપિયા હતું અને હેવ તે વધીને 22 લાખ કરોડ પર પહોંચી ગયું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આપણે જાપાનને પાછળ છોડીને અમેરિકા અને ચીન બાદ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયા છે.
‘ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ’
તાજેતરના વર્ષોમાં ભારતમાં ઈલેક્ટ્રિક વાહનના વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે, જે સતત ચાલુ જ રહેશે. સરકારની નીતિઓ તેમજ માળખાકીય સુવિધાઓમાં સુધારો કરવાથી ઈવીના વેચાણમાં વધારો થયો છે. આ સાથે હજુ વેચાણમાં વધારો થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત 2030 સુધીમાં EV ઉત્પાદનમાં અન્ય દેશોથી આગળ વધવાની યોજના ધરાવે છે. આનાથી પર્યાવરણીય સંરક્ષણ અને ઊર્જા બચતમાં પણ મદદ કરશે.