India exports to Pakistan high: પાકિસ્તાનમાં ભારતની નિકાસે નોંધાવ્યો ઉછાળો, 2024માં 1.21 અબજ ડોલર સાથે પાંચ વર્ષની સર્વોચ્ચ સપાટી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

India exports to Pakistan high: પાકિસ્તાન સાથેના સંબંધો અટકાવી દેવાતા ભારત-પાકિસ્તાન વેપાર વ્યવહાર પણ અટકી ગયા છે. ખાસ કરીને અટ્ટારી-વાઘા કોરિડોર માલસામાનની અવરજવર માટે મુખ્ય માર્ગ છે  જે હવે અટકી પડયો છે. વેપાર વ્યવહાર અટકી પડવાને કારણે પાકિસ્તાન કરતા ભારતના વેપારને વધુ નુકસાન થવાનું જોવાઈ રહ્યું છે. પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન સાથેના વેપાર પર પણ અસર પડવાની શકયતા રહેલી છે.

પાકિસ્તાન સાથેના વેપારમાં ભારત લાંબા સમયથી વેપાર પુરાંત ધરાવતું રહ્યું છે.

- Advertisement -

ભારત-પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી તાણ છતાં પણ ૨૦૨૪માં પાકિસ્તાન ખાતે ભારતની માલસામાનની નિકાસ વધી ૧.૨૧ અબજ ડોલર સાથે પાંચ વર્ષની ઊંચી સપાટીએ રહી હતી. આ અગાઉ ૨૦૧૮માં પાકિસ્તાન ખાતે નિકાસ આંક ૨.૩૫ અબજ ડોલર રહ્યો હતો. ૨૦૨૩ની સરખામણીએ નિકાસમાં ૧૨૭ ટકા વધારો થયો હતો.

૨૨ એપ્રિલના કાશમીરમાં થયેલા ત્રાસવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથેના ભારતના સંબંધો ફરી કથળ્યા છે અને ભારત સરકારે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરીને તેની સાથેની સરહદો સીલ કરી દીધી છે.

પાકિસ્તાન સાથેના વેપારમાં ભારત લાંબા સમયથી વેપાર પુરાંત ધરાવે છે. પાકિસ્તાન ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે ઓર્ગેનિક રસાયણ, સોયાબીન, લાલ મરચાં, ફાર્મા પ્રોડકટસ, ખાંડ, મિઠાઈઓ વગેરેનો સમાવેશ થાય છે જ્યારે પાકિસ્તાન ખાતેથી ભારતમાં સફરજન, ડ્રાયફુટસ, મીઠું, સિમેન્ટ જેવા માલસામાનની આયાત થાય છે.

૨૦૧૯માં પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના દરેક માલસામાન પર આયાત ડયૂટી વધારી ૨૦૦ ટકા કરી નાખી હતી જેેને પરિણામે પાકિસ્તાન ખાતેથી ભારતમાં નિકાસ જે ૨૦૧૯માં ૫૪.૭૪ કરોડ ડોલર રહી હતી તે ૨૦૨૪ સુધીમાં ઘટીને ૪.૮૦ લાખ ડોલર પર આવી ગઈ હતી.

જો કે પાકિસ્તાન ખાતે ભારતની નિકાસ ૨૦૨૦થી ૨૦૨૪ સુધીમાં ૩૦૦ ટકા વધી ગઈ હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

Share This Article