India to receive record remittances: ૨૦૨૪માં સતત ત્રીજા વર્ષે ભારતમાં રેમિટેન્સ મારફત ૧૦૦ અબજ ડોલરથી વધુના ફલો જોવા મળ્યો છે. વિદેશમાં ગયેલા ભારતીયો દ્વારા ગયા વર્ષે સ્વદેશમાં કુલ ૧૨૯.૪૦ અબજ ડોલર રેમિટ કરાયા છે, જે અત્યારસુધીનો સૌથી ઊંચો વાર્ષિક ઈન્ફલો છે. એકલા ડિસેમ્બર ત્રિમાસિકમાં જ ભારતીયોએ સ્વદેશ ૩૬ અબજ ડોલર પાઠવ્યા હતા.
ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે ડોલર મોકલવામાં લાભ થતો હોવાને કારણે પણ ઈન્ફલોમાં વધારો થયાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
૨૦૦૮થી ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનારો દેશ બની રહ્યો છે. ૨૦૨૨માં ૧૦૭.૫૦ અબજ ડોલર તથા ૨૦૨૩માં ૧૧૦.૩૦ અબજ ડોલરનું રેમિટેન્સ પ્રાપ્ત થયું હતું.
ભારતના ઈનફરમેશન ટેકનોલોજી ક્ષેત્રના વ્યવસાયીકો દ્વારા વિદેશમાં ખાસ કરીને ઉત્તર અમેરિકા તથા યુરોપમાં વ્યાપક સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ દેશોમાં કામ કરવા ગયેલા ભારતીયો દ્વારા સ્વદેશમાં પોતાના પરિવારને નાણાં મોકલવામાં વધારો જોવા મળી રહ્યો છે.
ભારત ખાતે રેમિટેન્સમાં અત્યારસુધી અખાતી દેશોનું જે પ્રભુત્વ જોવા મળતું હતું તેનું સ્થાન હવે વિકસિત દેશો લઈ રહ્યાનું રિઝર્વ બેન્કના પ્રાપ્ત ડેટા જણાવે છે. છેલ્લા સાત વર્ષમાં રેમિટેન્સની દ્રષ્ટિએ અમેરિકા બીજા સ્થાનેથી પ્રથમ જ્યારે યુનાઈટેડ આરબ અમીરાતસ (યુએઈ) પ્રથમ ક્રમેથી બીજા ક્રમ પર આવી ગયાનું રિઝર્વ બેન્કના ડેટામાં તાજેતરમાં જણાવાયું હતું.
૨૦૨૩-૨૪ના ભારતના રેમિટેન્સ સર્વેમાં દર્શાવાયુ હતું કે, વિદેશમાંથી ભારતીયો દ્વારા વતનમાં મોકલાતા નાણાંમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો અમેરિકા, યુકે, સિંગાપુર જેવા વિકસિત દેશોનો છે. અખાતી દેશોમાં નોકરીધંધા માટે ગયેલા ભારતીયો કરતા વિકસિત દેશોમાં નોકરીવેપાર માટે ગયેલા ભારતીયો દ્વારા સ્વદેશમાં વધુ નાણાં રેમિટ કરાતા હોવાનું કહી શકાય એમ છે.
એકંદર રેમિટેન્સમાં અમેરિકા ખાતેથી આવતા નાણાંનો હિસ્સો નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં વધી ૨૭.૭૦ ટકા રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૨.૯૦ ટકા હતો. યુએઈનો હિસ્સો જે ૨૦૧૬-૧૭માં ૨૬.૯૦ ટકા હતો તે ૨૦૨૩-૨૪માં ઘટી ૧૯.૨૦ ટકા પર આવી ગયો હતો.