Indias Honey Exports: અમેરિકામાં મધના સૌથી મોટા નિકાસકાર ભારતના મધ ઉદ્યોગે ટેરિફ વોરનો સામનો કરવાનો વારો આવી શકે છે. ભારતની સરખામણીએ અન્ય દેશો જેમ કે ન્યુઝીલેન્ડ, આર્જેન્ટિના તથા યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ને લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. મધના બીજા મોટા નિકાસકાર ચીનને પણ ફટકો પડશે એમ ઉદ્યોગના વર્તુળો જણાવી રહ્યા છે.
જો કે અન્ય દેશોની સરખામણીએ ભારતના મધની ગુણવત્તા ઊંચી હોવાથી અમેરિકામાં ભારતના મધની માગ જળવાઈ રહેવાની સ્થાનિક ઉત્પાદકોને અપેક્ષા છે, પરંતુ ટેરિફને કારણે કિંમતમાં તોળાતા વધારાને ધ્યાનમાં રાખતા વેચાણ પર અસર થવાની ચિંતા રહેલી છેે.
૨૦૨૩ના વર્ષમાં ભારત દ્વારા કુલ ૧૮.૫૦ કરોડ ડોલરના મૂલ્યના કુદરતી મધની નિકાસ કરાઈ હતી તેમાંથી ૧૬.૧૦ કરોડ ડોલરનું મધ એકલા અમેરિકામાં મોકલાયું હતું.
ભારતના મધ પર આ અગાઉથી જ અમેરિકામાં ૫.૮૦ ટકા એન્ટી ડમ્પિંગ ડયૂટી વસૂલવામાં આવે છે. આ ડયૂટી દૂર કરવામાં આવે તો ભારતના મધ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ બની શકે એમ એક નિકાસકારે જણાવ્યું હતું.