IndusInd Bank Share: IndusInd બૅન્ક પર સંકટ! ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ વચ્ચે શેર થયો ધરાશાયી!

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IndusInd Bank Share: ખાનગી સેક્ટરની ઈન્ડસઈન્ડ બૅન્કની મુશ્કેલીઓ વધી છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ઈન્ડસઈન્ડ બૅન્કના વરિષ્ઠ અધિકારીઓ વિરૂદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ હાથ ધરી છે. બૅન્કે આ મહિનાની શરૂઆતમાં જ ડેરિવેટિવ્ઝ એકાઉન્ટમાં ગોટાળો થયો હોવાની માહિતી આપી હતી.

સેબીએ ઈન્ડસઈન્ડ બૅન્કના પાંચ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા સોદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. રેગ્યુલેટર તપાસ કરી રહ્યુ છે કે, શું અધિકારીઓ પાસે આવી ગોપનીય માહિતી હતી, જે જાહેર કરવામાં આવી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેબીએ બૅન્ક વિરૂદ્ધ ડિસ્ક્લોઝર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પણ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

ઈન્ડસઈન્ડ પર એકાઉન્ટિંગ સંબંધિત ભૂલો પર તપાસ

ખાનગી સેક્ટરની બૅન્ક પર છેતરપિંડી તથા આંતરિક ચૂક મુદ્દે તપાસ ચાલી રહી છે. મુંબઈ સ્થિત બૅન્કે આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, તેણે કરન્સી ડેરિવેટિવ્ઝ બુકમાં એકાઉન્ટિંગ ભૂલ જોવા મળી છે. આ ગોટાળો છ વર્ષ પહેલાનો હોવાનો અંદાજ છે. જેમાં અંદાજિત 17.5 કરોડ ડોલરનો ગોટાળો જોવા મળ્યો છે. બૅન્કે સ્વતંત્ર સમીક્ષા તેમજ તપાસ માટે ગ્રાન્ટ થોર્નટનની નિમણૂક કરી છે. જેથી આ છેતરપિંડી કે ગોટાળા મુદ્દે પુરાવા એકત્રિત કરી શકાય.

- Advertisement -

બૅન્ક મેનેજમેન્ટમાં થશે બદલાવ

ઈન્સડઈન્ડ બૅન્કે 7 માર્ચના સ્ટોક એક્સચેન્જીસને જણાવ્યું હતું કે, આરબીઆઈએ તેના એમડી અને સીઈઓ સુમંત કઠપાલિયાનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દીધો છે. જે 23 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. બૅન્કે 10 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જીસ પર જણાવ્યું હતું કે, તેના ડેરિવેટિવ્ઝ એકાઉન્ટિંગમાં અમુક ગરબડ જોવા મળી છે. બૅન્કે વિસ્તૃત આંતરિક સમીક્ષા કરી છે. જેમાં ડિસેમ્બર, 2024ની નેટવર્થમાં આશરે 2.35 ટકા નુકસાન થયુ હોવાનો અંદાજ છે. બૅન્કને રૂ. 1600 કરોડની જોગવાઈ કરવી પડી છે.

- Advertisement -

ઈન્ડસઈન્ડ બૅન્કના શેર કડડભૂસ

ઈન્ડસઈન્ડ બૅન્કના શેર આજે વધુ રૂ. 15.5 તૂટી 640.55ની સપાટીએ પહોંચ્યો હતો. ઈન્ડસઈન્ડ બૅન્કમાં ગોટાળાની જાહેરાત બાદ શેર સતત તૂટ્યો છે. જે 12 માર્ચે 605.40ની 52 વીક લૉ સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા એક માસમાં શેર 38 ટકા તૂટ્યો છે. જ્યારે છ માસમાં શેર 55 ટકાથી વધુ તૂટ્યો છે. દેશની ટોચની પાંચમા ક્રમની ઈન્ડસઈન્ડ બૅન્કની બેલેન્સશીટ 63 અબજ ડોલર છે.

ઈનસાઈડર ટ્રેડિંગ શું છે?

જ્યારે કોઈ કંપનીની ગુપ્ત અને નોન-ડિસ્ક્લોઝર માહિતીના આધારે શેરમાં ટ્રેડિંગ થાય તેને ઈનસાઈડર ટ્રેડિંગ કહે છે. આ માહિતીની જાણકારી ધરાવતા લોકો ઈનસાઈડર ટ્રેડિંગથી બજારનો લાભ મેળવે છે. અમુક રોકાણકારો સુધી કંપનીની અંદરની માહિતી પહોંચાડી ઈનસાઈડર ટ્રેડિંગ કરાવવામાં આવે છે.

Share This Article