Investigating Derivatives Portfolios: ઇન્ડસઇન્ડ બેંકના ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં નુકશાની બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બેંક સફાળે જાગી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લેતા જાહેર અને ખાનગી બંને બેંકોના ડેરિવેટિવ્ઝ લોનબુકની સમીક્ષા શરૂ કરી છે. સેન્ટ્રલ બેંક દેશની મોટાભાગની બેંકોની હેજિંગ પોઝિશનની તપાસ કરી રહી છે. આ સિવાય ડેરિવેટિવ્ઝ ટ્રેડ સંબંધિત વ્યવહારોની પણ તપાસ કરી રહ્યા છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આ તપાસ દ્વારા જાણવા માંગે છે કે શું અન્ય બેંકો પણ ડેરિવેટિવ ટ્રેડ સંબંધિત નિયમોનું પાલન નથી કરી રહી. આ સિવાય અન્ય એક સવાલ આરબીઆઈને છે કે શું બેંકો ટ્રેઝરી સંબંધિત કામગીરીમાં આંતરિક નીતિ-નિયમો અને પાલનનું પાલન કરી રહી છે કે નહિ.અત્રે નોંધનીય છે કે આરબીઆઈએ ૨૦૨૩માં ડેરિવેટિવ કામગીરી માટે એક કડક માર્ગદશકા જારી કરી હતી. આ નિયમ અનુસાર બેંકોએ તેમના ડેરિવેટિવ પોર્ટફોલિયોને ત્રણ કેટેગરી લેવલ ૧,૨ અને ૩માં વિભાજીત કરવાની રહેશે. લેવલ ૩ ડેરિવેટિવ એસેટ્સના વાજબી મૂલ્યથી ઉવતા અવાસ્તવિક લાભ અને નુકસાન પર બેંકો ડિવિડન્ડ ચૂકવતી નથી. આરબીઆઈના નિયમો અનુસાર લેવલ ૩ ડેરિવેટિવ્ઝમાંથી થતા આવા અવાસ્તવિક લાભો સીઈટી-૧ મૂડીમાંથી બાદ કરવાના હોય છે.
આ નિયમને કારણે ૧૦ માર્ચના રોજ ઇન્ડસઇન્ડ બેંકે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે આંતરિક સમીક્ષામાં તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં ખામીઓ બહાર આવી છે, જે બેંકની નેટવર્થ પર ૨.૩૫ ટકા સુધી અસર કરી શકે છે. ૩૧મી માર્ચ, ૨૦૨૪ના રોજ બેંકની નેટવર્થ રૂ. ૬૨,૦૦૦ કરોડ હોવાનો અંદાજ છે. ૧૧મી માર્ચના રોજ આ બેંકના શેર ૨૭ ટકા તૂટયા હતા.