IPO News: શેરબજારમાં તાજેતરમાં તેજી હોવા છતાં, માર્ચ લગભગ છેલ્લા બે વર્ષમાં પહેલો મહિનો હતો જ્યારે એક પણ પ્રારંભિક જાહેર ઓફર (આઈપીઓ) બજારમાં આવ્યો ન હતો. તે છેલ્લે મે ૨૦૨૩ માં જોવા મળ્યું હતું. જાણકારોએ જણાવ્યું હતું કે ફેબુ્રઆરીમાં મોટા પાયે વેચવાલીથી ઘણી કંપનીઓને તેમની લિસ્ટિંગ યોજનાઓ મુલતવી રાખવાની ફરજ પડી હતી. જો બજારમાં સુધારો ચાલુ રહેશે, તો એપ્રિલમાં આઈપીઓ એટલે કે પ્રાયમરી બજારમાં ફરી સળવળાટ જોવા મળી શકે છે.
ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રાયમરી બજારમાં ઘણી ગતિવિધિઓ હતી, પરંતુ માર્ચ ક્વાર્ટરમાં બજાર સુસ્ત બન્યું હતું. ૨૦૨૫ ના પહેલા બે મહિનામાં ફક્ત ૯ આઈપીઓ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨૨ કંપનીઓએ આઈપીઓ લોન્ચ કર્યા હતા. તેવી જ રીતે, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (કયુઆઈપી) દ્વારા માત્ર ૭ કંપનીઓએ મૂડી એકત્ર કરી હતી, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા દરમિયાન ૨૧ કયુઆઈપી આવ્યા હતા.
સપ્ટેમ્બર ૨૦૨૪ માં સેન્સેક્સ અને નિફ્ટી તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા પછી શેરબજારમાં તીવ્ર ઘટાડો થયો છે, જેના કારણે કંપનીઓએ ઇશ્યૂ બહાર પાડવાનું ટાળ્યું છે. જુલાઈ-સપ્ટેમ્બર અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં નરમ કોર્પોરેટ કમાણી અને વૈશ્વિક પડકારોને કારણે રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. આનાથી ઈક્વિટી અને પ્રાયમરી બંને બજાર પર અસર પડી છે.
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા કરવામાં આવેલા વેચાણથી બજારમાં ઘટાડો વધુ લંબાયો હતો. છેલ્લા ૬ મહિનામાંથી ૫ મહિના સુધી તે ચોખ્ખા વેચાણકર્તા રહ્યા હતા. નવેમ્બર ૨૦૨૪ માં ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, યુએસ નીતિઓમાં ફેરફાર અને ડોલરના મજબૂત થવાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારોએ ભારત જેવા ઉભરતા બજારોમાંથી તેમના રોકાણો પાછા ખેંચવાનું શરૂ કર્યું.
જોકે, બજારમાં ઉથલપાથલ હોવા છતાં, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ૨૯ આઈપીઓ અને ૨૮ કયુઆઈપી લોન્ચ કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન સ્મોલ અને મિડકેપ શેરોમાં ઘટાડો થોડો ઓછો હતો, જેના કારણે આઈપીઓ / કયુઆઈપી સોદા પૂર્ણ કરવામાં કોઈ સમસ્યા ઊભી થઈ ન હતી. ડિસેમ્બર પછી ઘટાડો વધુ ઝડપી બન્યો હતો.
ઓક્ટોબર-ડિસેમ્બરમાં, નિફ્ટી ૮.૪ ટકા, નિફ્ટી મિડકેપ ૪.૯ ટકા અને સ્મોલકેપ ૨.૨ ટકા ઘટયો હતો. જોકે, જાન્યુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન, નિફ્ટી મિડકેપમાં ૯ ટકા અને સ્મોલકેપમાં ૧૫ ટકાનો ઘટાડો થયો હતો. આઈપીઓ લાવનારી મોટાભાગની કંપનીઓ મિડ અને સ્મોલકેપ સેગમેન્ટમાં આવે છે. ગયા સપ્તાહે, બજારમાં સુધારા વચ્ચે, નિફ્ટી ૪.૨ ટકા, નિફ્ટી મિડકેપ ૭.૭ ટકા અને સ્મોલકેપ ૮.૬ ટકા વધ્યો હતો. આમ છતાં બેંકરોનું વલણ હજુ પણ સાવધ છે.