New EPFO Rules 2025: EPFOએ મૃત્યુ લાભના નિયમ બદલ્યા, EPF સભ્યને EDLI સ્કીમમાં ફાયદો

Arati Parmar
By Arati Parmar 4 Min Read

New EPFO Rules 2025: EPFO એ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની 237મી બેઠકમાં એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિંક્ડ સ્કીમ (EDLI)માં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) હેઠળ, EDLI એક આવશ્યક સોશિયલ સિક્યોરિટી પ્રોગ્રામ છે જે EPF સભ્યોના પરિવારોને ચાલુ નોકરીએ EPF સભ્યના અકાળ મૃત્યુના કિસ્સામાં નાણાકીય સુરક્ષા પ્રદાન કરે છે.

નવા ફેરફારોનો ઉદ્દેશ EPFના સભ્યોના પરિવારને ઝડપી નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. જાહેર કરાયેલા ફેરફારોથી વાર્ષિક હજારો પરિવારોને વીમા ચૂકવણીમાં વધારો કરવાં અને કવરેજ વધારવામાં ફાયદો થશે. આ બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ હતી.

- Advertisement -

એમ્પ્લોયીઝ ડિપોઝિટ લિંક્ડ સ્કીમ (EDLI)માં ત્રણ મોટા ફેરફારોની જાહેરાત

1. સેવાના એક વર્ષની અંદર EPF સભ્યના મૃત્યુ પર લઘુત્તમ EDLI લાભની રજૂઆત

- Advertisement -

EPFO દ્વારા જાહેર કરાયેલા મહત્વપૂર્ણ ફેરફાર આ છે કે, તાજેતરમાં EPF યોજનામાં જોડાયા હોય અને સેવાના એક વર્ષની અંદર મૃત્યુ પામ્યા હોય તેવા EPF સભ્યો માટે લઘુત્તમ EDLI લાભની રજૂઆત. જાહેરાત મુજબ, જો નવા જોડાયેલા EPF સભ્યનું નોકરીના એક વર્ષની અંદર મૃત્યુ થાય તો EPF સભ્યના પરિવારના સભ્યોને જીવન વીમા પેટે ઓછામાં ઓછા રૂ. 50,000 મળશે.

EPFO એ જણાવ્યું હતું કે, ‘જો EPF સભ્ય ઈપીએફમાં ભાગ લીધાના એક વર્ષ પહેલાં જ મૃત્યુ પામે છે, તો તેના પરિવારને રૂ. 50,000 સુધીની રકમ મળશે. આ સુધારો દર વર્ષે નોકરી દરમિયાન મૃત્યુના લીધે થતાં 5,000થી વધુ કેસોના ક્લેમમાં વધુ લાભ મળવાની અપેક્ષા છે.’

- Advertisement -

2. નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડમાં ચાલુ નોકરીએ જ મૃત્યુ પામેલા સભ્યો માટે EDLIમાં મૃત્યુ લાભ

EDLI હેઠળ નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડ પછી નોકરી દરમિયાન મૃત્યુ પામેલા EPF સભ્યોના પરિવારના સભ્યોને મૃત્યુ લાભ આપવા સંબંધિત છે. જૂના નિયમ મુજબ, જો કોઈ EPF સભ્ય નોન-કોન્ટ્રીબ્યુટરી પીરિયડમાં મૃત્યુ પામ્યો હોય તો EDLI લાભમાં મૃત્યુનો દાવો નકારવામાં આવતો હતો. નવા નિયમ મુજબ, જો EPF સભ્ય તેમના EPF ખાતામાં છેલ્લા યોગદાનના છ મહિનાની અંદર મૃત્યુ પામે છે, તો પરિવારના સભ્યોને EDLI મૃત્યુનો લાભ મળશે. EPFO મુજબ, આ ફેરફારથી દર વર્ષે આવા મૃત્યુના 14,000થી વધુ કેસોમાં લાભ મળવાનો અંદાજ છે.

3. સળંગ નોકરીના નિયમમાં ફેરફાર

EPFO દ્વારા ફેરફાર કરવામાં આવેલા EDLI મૃત્યુ લાભમાં EPFના સભ્યે એક વર્ષની સળંગ નોકરી કરી ન હોય તો પણ તેના અકાળે થતાં અવસાન પર પરિવારજનોને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જૂના નિયમ મુજબ, EPF સભ્યો નોકરી બદલી રહ્યા હોય અને તે સમયમાં કે નવી નોકરીમાં ટૂંકા ગાળા માટે કામ કર્યું હોય અને અચાનક અકાળે અવસાન થાય તો તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવતો EDLI ના લાભનો દાવો નકારવામાં આવતો હતો. આને કારણે, પરિવારના સભ્યોને ઓછામાં ઓછો 2.5 લાખ રૂપિયાનો EDLI લાભ અને મહત્તમ 7 લાખ રૂપિયાનો મૃત્યુ લાભ મળી રહ્યો ન હતો.

નવા નિયમ હેઠળ, રોજગારના બે સમયગાળા વચ્ચે બે મહિના સુધીના અંતરને હવે સળંગ સેવા તરીકે ગણવામાં આવશે, જે ઉચ્ચ ક્વોન્ટમ EDLI લાભો માટે પાત્રતા સુનિશ્ચિત કરશે. આ ફેરફારથી દર વર્ષે સેવા દરમિયાન મૃત્યુના 1,000થી વધુ કેસોને ફાયદો થવાની અપેક્ષા છે.

શું છે કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ (EDLI)?

EPFO હેઠળ EDLI યોજના હેઠળ EPFના સભ્યને જીવન વીમો મળે છે. આ યોજના ભારત સરકાર દ્વારા 1976માં શરૂ કરવામાં આવી હતી. સેવા દરમિયાન EPF સભ્યોના અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને મહત્તમ 7 લાખ રૂપિયાનો મૃત્યુ લાભ મળે છે.

Share This Article