NIFTY: વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ છેલ્લા પાંચ મહિનામાં મોટું ૧૬ ટકા જેટલા ઘટાડાનું કરેકશન આવી ગયું છે. નિફટી પાંચ મહિનામાં મોટું કરેકશન બતાવીને તાજેતરમાં ૧૦ મહિનાની નીચી સપાટીએ આવી ગયો હતો, જે છેલ્લા ચાર ટ્રેડિંગ દિવસમાં ૪૭૦ પોઈન્ટ જેટલી રિકવરી બતાવીને ૨૨૪૬૪ની સપાટીએ પહોંચ્યો છે. માર્કેટ કેપિટલાઈઝેશન પણ ચાર દિવસમાં રૂ.૧૪.૨૮ લાખ કરોડ વધીને રૂ.૩૯૮.૨૯ લાખ કરોડ પહોંચ્યું છે.
બેંક ઓફ અમેરિકા અને સિટી દ્વારા તાજેતરમાં ભારતીય શેર બજારો માટે રિકવરીના સંકેત આપીને ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં નિફટી માટે ૨૬૦૦૦ સુધીના ટાર્ગેટ આપવામાં આવ્યા સામે હવે એક્સિસ કેપિટલ દ્વારા બજારમાં હજુ ૧૦ ટકા કરેકશન એટલે કે ઘટાડાની શકયતા બતાવવામાં આવી છે.
એક સમિટ ખાતે એક્સિસ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ અને એક્સિસ કેપિટલના ગ્લોબલ રિસર્ચ હેડ તેમ યુઆઈડીએઆઈના ચીફ નિલકંઠ મિશ્રાએ ભારતીય શેર બજારોમાં તાજેતરના ધબડકા બાબતે જણાવ્યું હતું કે, પોતે હજુ માને છે કે, બજારમાં વધુ ૧૦ ટકાનું કરેકશન-ઘટાડો આવી શકે છે. કરેકશન પાછળનું સૌથી સંભવિત કારણ નોમિનલ જીડીપી વૃદ્વિ થશે, પરંતુ બજારનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલું જ રહેશે.
સાનૂકૂળ માર્કેટ કેપ ટુ જીડીપી રેશિયો વિશે તેમણે કહ્યું હતું કે, બજાર માટે હંમેશા માટે સૂચવી શકાય એવું કોઈ સ્વસ્થ લેવલ નથી.
બજાર હંમેશા એક રેન્જમાં ટ્રેડ કરતું જોવાશે. છેલ્લા છ મહિનામાં બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો તે માટે એક મોટું પરિબળ ભારતીય કંપનીઓ માટે કમાણીમાં વૃદ્વિમાં નોંધપાત્ર ઘટાડો છે.
શહેરી વેતન વૃદ્વિમાં ધીમી વૃદ્વિ, ઘટતો વપરાશ, ઉચ્ચ આધાર અને ઘટતી માંગ જેવા અવરોધો નાણાકીય વર્ષ ૨૦૨૫માં કોર્પોેરેટ કમાણી પરની ભીંસ વધારશે.