NPCI Launch BHIM 3.0: BHIM 3.0, હવે ધીમા ઈન્ટરનેટમાં પણ થશે ઝડપી UPI પેમેન્ટ, જાણો નવી સુવિધાઓ

Arati Parmar
By Arati Parmar 4 Min Read

NPCI Launch BHIM 3.0: ધી નેશનલ પેયમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા BHIM 3.0 ઍપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ઇન્ડિયાની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં આ એક ખૂબ જ મોટી ક્રાંતિ છે. BHIMના લેટેસ્ટ અને અપગ્રેડેડ વર્ઝનમાં ઘણાં ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. એનાથી યુઝર્સ માટે UPIનો ઉપયોગ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહેશે. તેમજ નાણાકીય બાબતોનો વધુ સારી રીતે અને ચોક્કસપણે વ્યવહાર કરી શકાશે.

BHIM 3.0ના મુખ્ય ફીચર્સ

- Advertisement -
  1. ફેમિલી મોડ: આ ફીચરની મદદથી યુઝર તેના ફેમિલી મેમ્બરને જોડી શકશે. તેમ જ ફેમિલી મેમ્બર્સ વચ્ચેના ખર્ચાને મોનિટર કરી શકશે અને કયા ખર્ચનું પેમેન્ટ કોણે કરવું તે પણ જણાવી શકશે. આ ફીચરની મદદથી ઘરનું બજેટ ખૂબ જ સારી રીતે ચલાવી શકાય છે અને ખોટા ખર્ચા પર કંટ્રોલ પણ લાવી શકાય છે.
  2. ખર્ચને સરખા ભાગે વહેંચવા: યુઝર્સ તેમના બિલ અને ખર્ચને ફ્રેન્ડ્સ અને સાથી કર્મચારીઓ વચ્ચે પણ સરખા ભાગે વહેંચી શકશે. ટ્રાવેલ, ડિનર પર અથવા તો શોપિંગ જેવી કોઈ પણ વસ્તુ માટે યુઝર્સ હવે તેમના ખર્ચને સરખા ભાગે વહેંચી શકશે તેમ જ સીધા પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી શકશે. આ માટે હવે કોઈ થર્ડ-પાર્ટી ઍપ્લિકેશન અથવા તો કેલ્ક્યુલેટરની જરૂર નહીં પડે.
  3. ખર્ચાઓનું લિસ્ટ: આ ઍપ્લિકેશનમાં એક ડેશબોર્ડ આવશે. એમાં તમામ ખર્ચાઓને વિવિધ કેટેગરીમાં ઓટોમેટિક વહેંચી દેવામાં આવશે અને ત્યાર બાદ એક ચાર્ટ દ્વારા એને યુઝર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે. એનાથી યુઝર્સ તેમના ખર્ચ કરવાની પેટર્નને વધુ સારી રીતે સમજી શકશે અને ખર્ચા પર કંટ્રોલ લાવી શકશે.
  4. આસિસ્ટન્ટ: આ ઍપ્લિકેશનમાં એક બિલ્ટ-ઇન ટાસ્ક આસિસ્ટન્ટ ઍલર્ટ રાખવામાં આવ્યું છે. યુઝરના જેટલા પણ બાકી બિલ હશે અથવા તો UPI લાઇટમાં ઓછું બેલેન્સ થઈ ગયું હશે વગેરે જેવા મહત્ત્વના પેમેન્ટ વિશે યુઝર્સને યાદ કરાવતું રહેશે.
  5. BHIM વેગા: આ એક વેપારીઓ માટેનું ટૂલ છે. આ ટૂલમાં બિલ્ટ-ઇન પેમેન્ટ સિસ્ટમ છે, જેની મદદથી વેપારીઓના પ્લેટફોર્મ પર જ પેમેન્ટ કરવામાં આવે છે. આ માટે કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ સિસ્ટમની જરૂર નથી પડતી.

15 ભાષાનો સપોર્ટ

BHIM 3.0માં ઘણી ભાષાનો સપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત એક એવો દેશ છે, જેમાં દરેક રાજ્યમાં અલગ-અલગ ભાષાનો ઉપયોગ થાય છે. આથી BHIM 3.0માં 15 ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરેક ભાષાને કારણે કોઈ પણ વ્યક્તિ આ સર્વિસનો ઉપયોગ સરળતાથી કરી શકશે. આથી એક વ્યક્તિ કોઈ અન્ય ભાષામાં પેમેન્ટ કરશે, તો સામે વાળી વ્યક્તિની ભાષા અલગ હશે, તો પણ એ કરી શકાશે.

ધીમા ઇન્ટરનેટમાં પણ ચાલશે

BHIM 3.0ને ઓછા કવરેજવાળી, એટલે કે ધીમા ઇન્ટરનેટમાં પણ ખૂબ જ સરળતાથી ચાલે એ રીતે બનાવવામાં આવી છે. ઘણી વાર ઇન્ટરનેટ ધીમું હોવાને કારણે પેમેન્ટ એરર આવે છે, પરંતુ BHIM 3.0માં હવે એ પ્રકારની એરર નહીંવત્ જોવા મળશે. પરિણામે ઓછા ઇન્ટરનેટ કવરેજવાળા વિસ્તારમાં રહેતા યુઝર્સ પણ સરળતાથી પેમેન્ટ કરી શકશે.

ડિજિટલ પેમેન્ટ પર એની અસર

BHIM 3.0ની મદદથી શહેર અને ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ વચ્ચેનું જે અંતર છે, એ ઓછું કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે જ ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી પ્રાઇવેટ કંપનીઓને પણ ચેલેન્જ આપવામાં આવી રહી છે. આ કારણે હવે તેઓ પણ સારી સર્વિસ અને સારા ફીચર્સ દ્વારા યુઝર્સને સેવા પૂરી પાડશે. પૈસાને સરખા ભાગે વહેંચવા અને ફેમિલી મોડ જેવા ફીચર્સને લઈ સરકાર લાખો યુઝર્સ, વેપારીઓ અને બૅન્કને ડિજિટલ પેમેન્ટ તરફ આકર્ષી રહી છે. આ સાથે જ તેમાં સુરક્ષાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ક્યારે લોન્ચ કરવામાં આવશે?

BHIM 3.0ના દરેક ફીચર્સને તબક્કાવાર રિલીઝ કરવામાં આવશે. 2025 એપ્રિલ સુધીમાં એની દરેક ફીચર્સને લોન્ચ કરી દેવામાં આવશે. યુઝર્સ તેમની BHIM ઍપ્લિકેશનને એન્ડ્રોઇડ અને એપ સ્ટોર પરથી અપડેટ અથવા તો ડાઉનલોડ કરી શકે છે. આથી એપ્રિલ સુધીમાં આ ઍપ્લિકેશનને ઘણી વાર અપડેટ કરવાની જરૂર પડી શકે છે.

Share This Article