Pakistan Seeks New Trade Partners: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વેપાર વ્યવહાર અટકાવી દેતા પાકિસ્તાન માટે સ્થિતિ પડકારરૂપ બની જવાની ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા જણાવાયું છે. જરૂરી માલસામાન મેળવવા તેણે અન્ય દૂરના દેશો તરફ નજર દોડાવવી પડશે.
બન્ને પાડોશી દેશો વચ્ચે વેપાર સંબંધો આમપણ તાણભર્યા રહ્યા છે અને નવા ઘટનાક્રમોથી સ્થિતિ વધુ કથળશે એમ ઓર્ગેનાઈઝેશનના સુત્રોએ જણાવ્યું હતું. પાકિસ્તાનનું અર્થતંત્ર આમપણ ડામાડોળ સ્થિતિમાં છેે ત્યારે ભારત ખાતે તેની નિકાસ ઘટી જવાના કિસ્સામાં તેને જ વધુ માર પડવાની શકયતા રહેલી છે.
અન્ય દેશોની સરખામણીએ પાકિસ્તાનને ભારત ખાતેથી ફાર્મા તથા ઓર્ગેનિક રસાયણો પ્રમાણમાં સસ્તા મળી રહેતા હતા. ભારત ખાતેથી આયાત કરવાનું તેને લોજિસ્ટિક રીતે ઓછું ખર્ચાળ રહે છે. ફાર્મા તથા કેમિકલ્સ જેવા મહત્વના માલસામાન મેળવવા પાકિસ્તાન હવે અન્યત્ર નજર દોડાવવી પડશે એમ પણ સુત્રોએ ઉમેર્યું હતું.
૨૦૧૯ પુલાવામા હુમલા બાદ બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધો તાણભર્યા રહ્યા છે અને ભારતે પાકિસ્તાનનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો અને પાકિસ્તાન ખાતેથી થતી આયાત પર ૨૦૦ ટકા ડયૂટી લાગુ કરી હતી.
ફાર્મા, કેમિકલ્સ, કોટન, ચા, ટોમેટો વગેરેની પાકિસ્તાન ત્રીજા દેશ ખાતેથી આયાત કરવી પડશે.
પાકિસ્તાન સાથેના સંબંધો અટકાવી દેવાતા ભારત-પાકિસ્તાન વેપાર વ્યવહાર પણ અટકી ગયા છે. ખાસ કરીને અટ્ટારી-વાઘા કોરિડોર માલસામાનની અવરજવર માટે મુખ્ય માર્ગ છે જે હવે અટકી પડયો છે.