Pharmaceutical Business news : ફાર્માસ્યુટિકલ કંપનીઓ સામે સરકારે ઉગામેલા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળના શિડયુલ એમ હેઠળ કંપનીની ઉત્પાદનની સવલતો અપગ્રેડ કરવાના નિર્દેશના કારણે અનેક કંપનીઓ મુશ્કેલીમાં મુકાઇ છે. શિડયુલ એમના કારણે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટની ક્વોલીટીનું સ્ટાન્ડર્ડ જાળવી શકે છે. આરોગ્ય મંત્રાલયે પહેલી જાન્યુઆરી 2025થી શિડયુલ એમ ફરજીયાત બનાવ્યું છે.
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો કહે છે કે દેશમાં 10 હજાર જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે. 2000 જેટલી કંપનીઓ ફૂલી અપડેટ થયેલી છે જ્યારે 3000 જેટલી કંપનીઓએ શિડયુલ એમ હેઠળ અપગ્રેડ થવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ 5000 જેટલી કંપનીઓએ સરકારના આદેશ હેઠળના શિડયુલ એમ માટે અપગ્રેડના કોઇ પગલાં ભર્યા નથી.
કહેવાય છે કે જો શિડયુલ એમ ના અમલીકરણની તારીખ 1લી જાન્યુઆરીને સરકાર નહીં લંબાવે તો આ કંપનીઓ બંધ કરવી પડશે. આ કંપનીઓએ સરકારને છેલ્લી તારીખ બે વર્ષ માટે લંબાવવા વિનંતી કરી છે કેમ કે શિડયુલ એમ માટે વધારોનો સ્ટાફ જોઇશે અને તેમને ટ્રેઇન કરવો પડશે. જોકે સરકારે અમલીરણ લંબાવવાની વિનંતીનો કોઇ પ્રતિભાવ આપ્યો નથી. તેનો અર્થ એ થયો કે સરકાર ગમે ત્યારે તે કંપનીઓના શટર પાડી શકે છે.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર કંપનીઓના ઓડિટ કરીને ઈન્સ્પેક્શન માગશે અને જેણે શિડયુલ એમ નો અમલ નહીં કર્યો હોય તેને બંધ કરી દેશે.
ફાર્માસ્યુટિકલ ઉધ્યોગના કેટલાં મોટા માથા આરોગ્ય પ્રધાનને મળ્યા હતા અને શિડયુલ-એમ ના અમલીકરણ માટેની તારીખ લંબાવવા વિનંતી કરીને કહ્યું હતું કે કેટલાક માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSMEs) કંંપનીઓ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે.
આરોગ્યપ્રધાને તેમને સાંભળ્યા બાદ તરતજ અધિકારીઓને બોલાવ્યા હતા અને ફાર્મા સેક્ટરનું સ્ટાન્ડર્ડ સુધારવા લેવાયેલા પગલાંની વિગતો માંગી હતી. જોકે ત્યાર પછી પણ અમલીકરણની તારીખ લંબાવવાનો કોઇ નિર્ણય લેવાયો નથી.
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર જ્યારે ક્વોલીટી માટે કેટલાક પગલાં લેવાયા ત્યારે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે તે આવકાર્યા હતા જેમાં ટેસ્ટિંગ લેબોરેટરી અને સ્ટેબલિટી ચેમ્બર સહિતના સુધારાની વાત હતી. આરોગ્ય મંત્રાલય જે શિડયલુ એમ હેઠળ ફાર્માસ્યુટિકલ કંપનીઓને લાવવા માંગે છે તે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જીએમપી સ્ટાન્ડર્ડ હેઠળ છે.
મામલો એવો ગૂંચવાયો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ શિડયુલ એમ માટે ડિસેમ્બર ૨૬ સુધીનો સમય માંગે છે. સરકાર જે ક્વોલિટી સ્ટાન્ડર્ડ માંગે છે તે માટે આધુનિક મશીનરી, તેના માટે સ્ટાફની તાલિમ અને મશીનરીને યોગ્ય રીતે કેવી રીતે ચલાવવી વગેરનો સમાવેશ થાય છે.
હવે જો આધુનિક મશીનરી ચલાવવી હોય તો સ્ટાફને તાલિમ આપવા સમય પણ આપવો જરૂરી છે. જોકે સરકાર સમય લંબાવવા તૈયાર નથી. એટલે કે શિડયુલ એમ નહીં અપનાવનારના શટર બંધ કરી શકે છે.
શિડયુલ એમ એટલે શું?
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940નો એક ભાગ શિડયુલ એમ છે. જે સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો સાથે જોડાયેલું છે. ભારતની દરેક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ શિડયુલ એમ હેઠળ કામ કરવું જોઇએ. ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ માટે આગ્રહ રાખવો જોઇએ.