PPF Investments: નિવૃત્તિ સમયે આર્થિક પડકારો વિના આરામથી રિટાયરમેન્ટ લાઈફ જીવવા માગતા લોકો માટે શ્રૈષ્ઠ વિકલ્પો પૈકી એક પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ)માં પણ અમુક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યાજની કમાણીનો સારો એવો લાભ લઈ શકાય.
પીપીએફમાં રોકાણ માટે મહિનાની પાંચમી તારીખ અત્યંત મહત્ત્વની છે. જો પાંચ તારીખ પહેલાં રોકાણ કરવામાં આવે તો આખા મહિનાનું વ્યાજ મળે છે. જેથી પીપીએફમાં રોકાણ કરવાનો પિરિયડ પાંચ તારીખ પહેલાં નિર્ધારિત કરવો જોઈએ.
ટેક્સ સેવિંગ માટે મહત્ત્વનું પીપીએફ રોકાણ
સુરક્ષિત અને ટેક્સ સેવિંગ માટે પીપીએફ રોકાણ મહત્ત્વનું છે. પીપીએફમાં માસિક રોકાણ દરમહિનાની પાંચ તારીખ સુધી જમા કરાવવુ જોઈએ. જેથી તેમાં આખા મહિનાનું વ્યાજ મળે. પીપીએફમાં રોકાણની સાથે મેચ્યોરિટી રકમ અને વ્યાજ પણ ટેક્સ ફ્રી છે. લોંગ ટર્મ સુરક્ષિત રોકાણ સ્રોત તરીકે આ ફંડ યોગ્ય છે. પીપીએફ એકાઉન્ટમાં રોકાણ પર કલમ 80 (સી) હેઠળ રૂ. 1.50 લાખ સુધીનું ટેક્સ ડિડક્શન પણ મળે છે.
પીપીએફમાં આ રીતે થાય છે ગણતરી
જો પીપીએફ ખાતામાં કોઈ વ્યક્તિ મહિનાની પાંચ તારીખ સુધી રોકાણ કરે છે. તો તેની જમા રકમ પર વ્યાજનો દર આગામી મહિનેથી જ લાગુ થાય છે. જો પાંચ તારીખ બાદ રોકાણ કરવામાં આવે તો તેને માત્ર 25 દિવસનું જ વ્યાજ મળે છે.
ધારો કે, તમે 5 એપ્રિલ, 2025ના રોજ પીપીએફ ખાતામાં રૂ. 1.5 લાખ જમા કરાવ્યા છે. જેમાં 7.1 ટકા વ્યાજદરના આધારે વાર્ષિક રૂ. 10650નું વ્યાજ મળશે. જો સંપૂર્ણ ટ્રાન્જેક્શન 5 એપ્રિલ બાદ થાય છે, તો તેમાં વ્યાજદર 11 મહિના માટે જ મળશે. જે મુજબ વર્ષના અંતે રૂ. 9762.50 વ્યાજ મળશે.