Rates cut by Reserve Bank: વૈશ્વિક ટેરિફ વોરના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)ની સોમવારથી શરૂ થનારી નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં વધુ પા ટકાનો ઘટાડો થવાની શકયતા વધી ગઈ છે. વર્તમાન સંપૂર્ણ વર્ષમાં એક ટકા સુધીનો ઘટાડો થવા અપેક્ષા છે.
અમેરિકા દ્વારા શરૂ થયેલ ટેરિફ વોરને કારણે ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોના આર્થિક વિકાસને ફટકો પડવાનું જોખમ ઊભું થયું છે, આવી સ્થિતિમાં દેશના ઉદ્યોગો તથા અર્થતંત્રને ટેકો પૂરો પાડવા રિઝર્વ બેન્ક વ્યાજ દરમાં વધુ ઘટાડો કરશે તેવી શકયતા વધી ગઈ હોવાનું એક બેન્કરે જણાવ્યું હતું.
ફેબુ્રઆરીમાં યોજાઈ ગયેલી બેઠકમાં રિઝર્વ બેન્કે રેપો રેટમાં પા ટકાનો ઘટાડો કર્યો હતો જે છેલ્લા પાંચ વર્ષના ગાળા બાદ પ્રથમ ઘટાડો હતો.
ઘરઆંગણે હવે ફુગાવો નીચે ગયો છે ત્યારે આર્થિક વિકાસમાં ઘટાડાની શકયતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્ક રેપો રેટમાં ઘટાડો કરશે તેવી એક બેન્કરે અપેક્ષા વ્યકત કરી હતી. રિટેલ ફુગાવો હાલમાં રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક છેે.
ટેરિફ વોરને કારણે ભારતના આર્થિક વિકાસ દર પર અડધા ટકાનો ફટકો પડવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
વર્તમાન નાણાં વર્ષમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં પોણાથી એક ટકાનો ઘટાડો કરશે તેવો વિવિધ વૈશ્વિક નાણાં સંસ્થાઓ જેમ કે નોમુરા, યુબીએસ તથા ગોલ્ડમેન સાચ્સ દ્વારા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
અમેરિકાએ ભારતમાંથી આવતા કેટલાક ઉત્પાદનો પર ૨૬% પારસ્પરિક ટેરિફ એટલે કે સમાન આયાત ડયુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે ૯ એપ્રિલથી અમલમાં આવશે. આ ટેક્સ બજારની અપેક્ષાઓ કરતાં ઘણો વધારે છે. જોકે, આ ટેક્સ કેટલાક એશિયન દેશો કરતા ઓછો છે, જે ભારતને થોડી રાહત આપી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, અમેરિકાએ ઘણા અન્ય દેશો પર આનાથી પણ વધુ આયાત શુલ્ક લાદ્યા છે. આવી સ્થિતિમાં, તે દેશોના સસ્તા ઉત્પાદનો ભારતમાં ડમ્પ થવાની શક્યતા વધી શકે છે. આનાથી ભારતમાં ફુગાવો અમુક અંશે ઘટાડી શકાય છે.
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં ૨૫ બેસિસ પોઈન્ટના ઘટાડા પછી, વર્તમાન ચક્રમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો કરવાની તક છે.