RBI New Deputy Governor Poonam Gupta: ભારતીય રિઝર્વ બૅંક(RBI)ના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ વર્તમાનમાં નેશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઈકોનોમિક રિસર્ચ(NCIR)ના મહાનિર્દેશક છે. તેઓ RBIમાં ત્રણ વર્ષ સુધી ડેપ્યુટી ગવર્નરનો કાર્યભાર સંભાળશે. તેમની નિમણૂક માઈકલ પાત્રાના સ્થાને કરવામાં આવી છે. પાત્રાએ જાન્યુઆરી-2025માં પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
પૂનમ ગુપ્તાની કારકિર્દી
પૂનમ ગુપ્તા અમેરિકા સ્થિત સ્કૂલ ઑફ ઈકોનોમિક્સ યુનિવર્સિટી ઑફ મેરીલૅન્ડમાં ભણાવતા હતા. આ ઉપરાંત તેમણે દિલ્હીમાં ISI વિજિટિંગ ફેકલ્ટી તરીકે પણ કામગીરી નિભાવી છે. તેઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ફાઇનાન્સ એન્ડ પોલિસીમાં આરબીઆઇ ચેર પ્રોફેસર અને ICRIER માં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
પૂનમ ગુપ્તાનો અભ્યાસ
પૂનમ ગુપ્તાએ દિલ્હી સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં માસ્ટર ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવેલી છે. ત્યારબાદ તેમણે અમેરિકા સ્થિત મેરીલૅન્ડ યુનિવર્સિટીથી પીએચડી પણ કરેલું છે.
નીતિ આયોગની સલાહકાર સમિતિમાં પણ યોગદાન
તેમને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) અને વર્લ્ડ બૅંકમાં 20 વર્ષથી વધુ કાર્યભાર સંભાળવાનો અનુભવ છે. તેઓ નીતિ આયોગ તેમજ FICCIની સલાહ સમિતિમાં સભ્ય પણ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, 9 ડિસેમ્બર-2024ના રોજ આરબીઆઈના નવા ગવર્નરની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં સેક્રેટરી સંજય મલ્હોત્રાને નવા ગવર્નર બનાવાયા છે.