Sensex forecast: ટેરિફ વોર વચ્ચે દેશના શેરબજારોમાં ભારે વોલેટિલિટી જોવા મળી રહી હોવા છતાં અને દેશના આર્થિક વિકાસ દરમાં ઘટાડો જોવા મળવાની સંભાવના વચ્ચે પણ મોર્ગન સ્ટેન્લીએ વર્તમાન વર્ષના અંતે સેન્સેકસનો ટાર્ગેટ હાલના સ્તરેથી સાત ટકા જેટલો ઊંચો મૂકી ૮૨૦૦૦ મૂકયો છે.
જો કે આ અગાઉ મોર્ગેન સ્ટેન્લીએ સેન્સેકસનો વર્ષના અંતનો ટાર્ગેટ ૯૩૦૦૦ પોઈન્ટ મૂકયો હતો તેમાંથી ૧૨ ટકા પીછેહઠ કરી છે.
રાજકોષિય શિસ્તતા, ખાનગી ઈન્વેસ્ટમેન્ટસમાં વધારો જેવા પરિબળો મારફત વ્યાપક આર્થિક સ્થિરતા જળવાઈ રહેવાની શકયતાની ધારણાં સાથે આ અંદાજ આવી પડયો છે. મજબૂત આર્થિક વિકાસ, અમેરિકામાં મંદ વિકાસ અને ક્રુડ તેલના નીચા ભાવને પણ આ અંદાજમાં ધ્યાનમાં લેવાયા હોવાનું મોર્ગન સ્ટેન્લીના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
ટેરિફને લગતા મોટાભાગના નિર્ણયો આવી ગયા છે. આવી સ્થિતિમાં ટૂંકા ગાળાના વ્યાજ દરમાં વધુ ૫૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો શકય જોવા મળવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.
ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી તરીકે સ્ટેન્લી નાણાંકીય, કન્ઝયૂમર તથા ઈન્ડસ્ટ્રીઅલ્સ ક્ષેત્ર માટે ઓવરવેઈટ છે જ્યારે ઊર્જા, યુટિલિટિસ તથા આરોગ્યસંભાળ પર અન્ડરવેઈટ છે.
તેજીની સ્થિતિમાં સેન્સેકસ ૯૧૦૦૦નું સ્તર બતાવશે તેવી પણ ધારણાં મૂકવામાં આવી છે. વર્તમાન વર્ષના માર્ચમાં સ્ટેન્લીએ તેજીની સ્થિતિમાં સેન્સેકસ વર્તમાન વર્ષના ડિસેમ્બર સુધીમાં ૧,૦૫,૦૦૦ની સપાટી બતાવશે તેવી ધારણાં મૂકી હતી.
જો કે સેન્સેકસને આ સ્તરે પહોંચાડવા માટે જીએસટી દરોમાં ઘટાડા તથા કૃષિ કાયદામાં સુધારા જેવા કેટલાક પગલાં જરૂરી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.