મુંબઈ, તા. 28 : દિગ્ગજ શેરોમાં નીકળેલી વેચવાલી અને વૈશ્વિક મિશ્ર વલણને કારણે ગુરુવારે શેરબજારનો શરૂઆતનો સુધારો ધોવાઈ ગયો હતો અને લગભગ દોઢ ટકો ઘટયું હતું. સેન્સેક્સ 1190.34 (1.48 ટકા) અંક ઘટીને 79,043.74, જ્યારે નિફ્ટી 360.75 (1.49 ટકા) અંક ઘટીને 23,914.15 પર બંધ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 394.95 (0.76 ટકા) અંક ઘટીને 51,906.85 પર બંધ રહ્યો હતો. આ ઘટાડાના લીધે રોકાણકારોના 2.7 લાખ કરોડ ધોવાયા હતા. સ્મોલ કેપ-મિડ કેપ સ્થિર રહ્યા હતા.
સેન્સેક્સમાં એમ એન્ડ એમ, ઈન્ફોસિસ, એચસીએલ ટેકનોલોજી, અદાણી પોર્ટસ, બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, ટાઈટન, ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને પાવર ગ્રિડ જેવા દિગ્ગજ શેરના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે બીજી તરફ ફક્ત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના શેર વધ્યા હતા.
નિફ્ટીમાં એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ફોસિસ, એમ એન્ડ એમ, બજાજ ફાઈનાન્સ વગેરેના ભાવ સૌથી વધુ ઘટયા હતા, જ્યારે અદાણી એન્ટરપ્રાઈઝિસ, શ્રીરામ ફાઈનાન્સ, એસબીઆઈ અને સિપ્લા વધ્યા હતા.ઓટો, બેન્ક, આઈટી, કન્ઝ્યુમર એફએમસીજી, મેટલ, ફાર્મા, એનર્જીના સૂચકાંકો 0.3 ટકાથી 2 ટકા સુધી ઘટયા હતા. પીએસયુ બેન્કમાં એક ટકો વધારો થયો હતો. બીએસઈ મિડકેપ સ્થિર રહ્યો હતો અને સ્મોલકેપ 0.4 ટકા વધ્યો હતો. અમેરિકન ડોલર મજબૂત બનતો જાય છે તે વૈશ્વિક ચિંતાનો વિષય છે. કારણ કે ઊભરતા બજારોમાં તેના કારણે રોકાણનું આકર્ષણ ઘટતું જાય છે. ડોલરની મજબૂતીને કારણે એશિયન બજારો દબાણ નીચે છે.ગુરુવારે 156 શેર વધ્યા હતા, 1633 શેર ઘટયા હતા અને 101 શેર સ્થિર રહ્યા હતા. આ બાબત દર્શાવે છે કે એકંદરે બજાર દબાણ હેઠળ છે.