Service and manufacturing sector: ભારતના માલસામાન તથા સેવા માટેની આંતરરાષ્ટ્રીય માગમાં જોરદાર વધારા તથા નવા ઓર્ડરમાં મજબૂત વૃદ્ધિને પગલે વર્તમાન મહિનાનો ભારતનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક એચએસબીસી સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી આઠ મહિનાની ટોચે જોવા મળ્યો છે.
એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલો એપ્રિલ માટેનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ ૬૦ રહ્યો છે જે માર્ચમાં ૫૯.૫૦ જોવા મળ્યો હતો. એપ્રિલમાં સતત ૪૫માં મહિને પીએમઆઈ ૫૦થી ઉપર રહ્યો છે જે સંબંધિત ક્ષેત્રમાં વિસ્તરણ સૂચવે છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ જ મહિનામાં નવા બિઝનેસમાં વધારાને ખાનગી ક્ષેત્રની કંપનીઓએ આવકાર્યો છે. સપ્ટેમ્બર, ૨૦૧૪થી જ્યારથી પીએમઆઈ તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારથી વર્તમાન વર્ષના એપ્રિલમાં નિકાસ ઓર્ડરમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો છે.
ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રના ઓર્ડરમાં વધારો થયો છે, જો કે સેવાની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રમાં ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થયો છે.
ઉત્પાદન ક્ષેત્રમાં નવા ઓર્ડર ઉપરાંત, રોજગાર, ઓર્ડર પૂરા કરવાના સમયગાળા તથા ઈન્વેન્ટરીના સ્તરમાં છેલ્લા એક વર્ષમાં જોરદાર સુધારો થયો છે. માર્ચમાં ૫૮.૧૦ની સરખામણીએ એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક ઈન્ડેકસ વધી ૫૮.૪૦ રહ્યો છે.
ડોલર સામે રૂપિયાના ઘસારાને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્પર્ધાત્મક વધી હોવાનું પીએમઆઈ માટેના સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી કેટલીક કંપનીના સંચાલકોએ મત વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.
અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફમાં ૯૦ દિવસની સ્થગિતીને કારણે પણ વિદેશમાંથી ઓર્ડરની માત્રા ઊંચી રહી હોવાનું માનવામાં આવે છે. ખર્ચનું પ્રમાણ માર્ચના સ્તરે જ લગભગ જળવાઈ રહ્યું છે પરંતુ કિંમતમાં સાધારણ વધારો કરાયો છે જેને કારણે કંપનીઓના માર્જિનમાં સુધારો જોવા મળી રહ્યાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.